અમદાવાદમાં અંધારપટઃ 5 વર્ષમાં તંત્રને સ્ટ્રીટ લાઈટ ફોલ્ટની મળી 4.80 લાખ ફરિયાદ

અમદાવાદઃ શહેરને રાત્રે પણ ચમકાવવા માટે તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ પાછળ તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં સ્ટ્રીટ લાઈટ ફોલ્ટની આશરે 4.80 લાખ ફરિયાદ મળી છે. શહેરનાં જાહેર માર્ગો ઉપર રાત્રિ સમયે અજવાળા પાથરવા માટે મ્યુનિ. દ્વારા સ્ટ્રીટ લાઇટનાં થાંભલા ઉભા કરવા પાછળ 119 કરોડ જેટલી માતબર રકમના ખર્ચ પછી તેનાં મેઇન્ટેનન્સના અભાવે અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ રહેતી હોવાની ફરિયાદોમાં વ્યાપક વધારો થયો હોવાનો મ્યુનિસિપલમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કર્યો હતો.
શહેરીજનોને સ્પર્શતાં પ્રાથમિક સુવિધાનાં મહત્વનાં ભાગ એવા સ્ટ્રીટ લાઇટ ખાતાની અનિયમિતતા અને ઘોર બેદરકારીનો પર્દાફાશ કરતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરનાં 7 ઝોનનાં જુદા જુદા રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનાં 2.07 લાખ પોલ, હાઇમાસ્ટનાં 245 પોલ તથા બીઆરટીએસ કોરિડોરમાં 6000 એલઇડી પોલ મળી કુલ 2.13 લાખ જેટલાં સ્ટ્રીટ લાઇટ પોલ નાખવામાં આવેલાં છે, જેની પાછળ 119.48કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે.
તેમણે લાઇટ ખાતા ઉપર આક્ષેપ કરતાં કહ્યું કે, આટલી માતબર રકમ ખર્ચ્યા પછી પણ છેલ્લા પાંચ વર્ષમાં સ્ટ્રીટ લાઇટ બંધની 4,78,072 ફરિયાદો નોંધાવા પામી છે. લાઇટ ખાતાને સ્ટ્રીટ લાઇટનાં પોલ ઉભા કરાવવામાં અને તેનાં મેઇન્ટેનન્સનાં કોન્ટ્રાક્ટ માનીતાઓને આપવામાં જ વધારે રસ હોવાનું દર્શાવે છે.
સ્ટ્રીટ લાઇટનાં પોલનાં ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સનાં કોન્ટ્રાક્ટ સીટેલૂમ ઇન્ડિયા નામની કંપનીને અપાયા હતા, જેની મુદત પૂરી થઇ ગયાને ત્રણ મહિના વીતી જવા છતાં નવા ટેન્ડર બહાર પાડવામાં વિલંબ થયો છે. તેના પગલે સીટેલૂમનાં પેટા કોન્ટ્રાકટરો પાસે કામ કરાવવામાં આવે છે. જેમાં અમુક અમુક વિસ્તારોમાં રાત પડ્યે રોડ ઉપર લાઇટનાં અજવાળાને બદલે અંધારા છવાયેલાં રહે છે અને તેના કારણે અક્સ્માત તેમજ મારામારી અને લૂંટફાટનાં કિસ્સા બનતાં હોવાનો આક્ષેપ વિપક્ષનેતાએ કર્યો હતો.
શહેઝાદખાન પઠાણે વધુમાં કહ્યું કે, તત્કાલીન કમિશનરે લાઇટ ખાતાનાં અધિકારીઓને શહેરનાં જુદા જુદા વિસ્તારોનાં નાઇટ રાઉન્ડ લઇ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે કે બંધ તેની તપાસ કરવા અને પ્રજાની હાલાકી ઘટાડવા સૂચના આપી હતી. પરંતુ લાઇટ ખાતાનાં અધિકારી કમિશનરનાં આદેશને પણ ગણકારતા નથી તેવુ લાગી રહ્યું છે. તેમણે લાઇટ ખાતામાં જ વ્યાપક ગેરરીતિ અને બેદરકારી આચરતાં અધિકારીઓની તાકીદે બદલી કરી નાખવા માટે માંગણી કરી છે.
આપણ વાંચો: ‘રસોડે રાહત’ સિંગતેલના ભાવમાં ઘટાડો; 15 કિલો ડબ્બાનો ભાવ 2300એ પહોંચ્યો
કયા ઝોનમાં કેટલી ફરિયાદ મળી
છેલ્લા પાંચ વર્ષમાં તમામ ઝોનમાં સ્ટ્રીટ લાઈટ ફોલ્ટની ફરિયાદમાં વધારો થયો છે. સાઉથ ઝોનમાં સૌથી વધુ ફરિયાદ મળી હતી. અહીં 1,02,411 ફરિયાદ મળી હતી. જે બાદ વેસ્ટ ઝોનમાં 94,853, નોર્થ ઝોનમાં 66,771, સેન્ટ્રલ ઝોનમાં 59,991, ઈસ્ટ ઝોનમાં 58,312, નોર્થ વેસ્ટ ઝોનમાં 57,526 અને સાઉથ વેસ્ટ ઝોનમાં 38,206 ફરિયાદ મળી હતી.