અમદાવાદ

રખડતા ઢોરને કારણે નવસારીમાં 28 વર્ષીય બાઇક ચાલકનું મોત, અંકલેશ્વરમાં પાંચ ઘાયલ

અમદાવાદઃ શહેરી વિસ્તારમાં રખડતા શ્વાન અને ઢોરને કારણે ઉદ્ભવતી સમસ્યાઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે, પંરતુ સમસ્યાનો નિવેડો આવતો નથી. ફરી નવસારીમાં રખડતા ઢોરને લીધે એક યુવકે જીવ ગુમાવ્યાની ઘટના નવસારીમાં બની હતી. તો અંકલેશ્વરમાં પાંચ જણ ઈજાગ્રસ્ત થયા હતા.

નવસારીમાં ભોગ બનનાર 28 વર્ષીય યુવક તેજસ અરવિંદભાઈ પટેલ છાપરા-મોગર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક રખડતું ઢોર અચાનક તેની બાઇક સાથે અથડાઈ ગયું હતું. અકસ્માતમાં તેજસને ગંભીર ઈજાઓ થઈ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો હતો. લોકોએ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરના વધતા ભય અંગે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કર્યો હતો. સ્થાનિક લોકોનો દાવો છે કે જીવલેણ અકસ્માતો પછી જ ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે અને થોડા દિવસોમાં જ તેને બંધ કરી દેવામાં આવે છે. આવી દુર્ઘટનાઓ કાયમ માટે અટકાવવા અને વાહનચાલકોની સલામતી માટે તેમણે પશુ માલિકો સામે કડક અને કાયમી કાર્યવાહીની માગણી કરી હતી.

આ દરમિયાન, અંકલેશ્વરમાં, અયપ્પા મંદિર પાસે એક રખડતા બળદે તોફાન મચાવ્યું હતું, જેમાં લગભગ પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

વિગતો અનુસાર એક દક્ષિણ ભારતીય દંપતી એક ઉત્સવમાં ભાગ લેવા માટે રિક્ષામાં મંદિર પહોંચ્યા હતા ત્યારે અચાનક આખલા તેમના તરફ ધસી આવ્યો હતો.મહિલા જમીન પર પટકાઈ ગઈ અને પગમાં ઘા વાગી ગયા હતા, જ્યારે તેના પતિએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આખાલાએ તેમને પણ ઈજા પહોંચાડી હતી.

આખલાએ લગભગ 15 મિનિટ સુધી હિંસક બનીને તોફાન મચાવ્યું હતું. અહીંથી પસાર થતા લોકો અને મદદ માટે દોડી આવેલા બાઇક સવારોને પણ ઈજા થઈ હતી. તમામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોટાભાગનાને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ રખડતા ઢોરના ત્રાસને કાબૂમાં લેવામાં સ્થાનિક વહીવટીતંત્રની નિષ્ફળતા અને નિષ્ક્રિયતા મામલે લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button