ગુજરાતમાં વધી રહી છે આ જીવલેણ બીમારી, દરરોજ આવી રહ્યા છે 200થી વધુ કેસ

અમદાવાદઃ 7 નવેમ્બરને ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ’તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કેન્સરના 2.25 લાખ નવા દર્દી નોંધાયા છે. એટલે કે રાજ્યમાં કેન્સરના દરરોજ 212 નવા કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્સરને હરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં તમામ જિલ્લાઓમાં કુલ 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ; બે લાખથી વધુ સેશન દ્વારા 78 હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે કીમોથેરાપી સારવારનો લાભ લીધો છે. 2025-26માં વધુ નવા 7 ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરાશે. કેન્સરના રોગ અંગે નાગરિકોમાં જનજાગૃતિ આવે તેમજ ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના ગંભીર સ્થિતિના કેસોમાંથી દર્દીઓ બહાર આવે તે માટે રાજ્ય સરકારે ‘કોમન કેન્સર સ્ક્રીનીંગ પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે.
રાજ્યમાં કયા વર્ષે કેટલા કેન્સરના કેસ નોંધાયા
2019: 67841
2020: 69660
2021: 71507
2022: 73382
2023: 75290
2024: 77205
દેશમાં એક વર્ષમાં કેન્સરના સૌથી વધુ નવા કેસ બાબતે ઉત્તર પ્રદેશ ટોચ પર છે. યુપીમાં 2,21,000 કેન્સરના કેસ નોંધાયા હતા. જે બાદ મહારાષ્ટ્રમાં 1,27,512, પશ્ચિમ બંગાળમાં 1,18,910, બિહારમાં 1,15,124 કેસ નોંધાયા હતા.



