માણસો ન હોય તો પશુ-પ્રાણીઓ મોજ કરે, નળસરોવરની પક્ષી ગણતરીએ સાબિત કરી દીધું

અમદાવાદઃ પર્યટનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં આવતા નળ સરોવરમાં પક્ષીઓની સંખ્યા વધી હોવાનું અહેવાલો જણાવે છે. રામસર સાઇટ એવા સરોવરની તાજેતરની વસ્તી ગણતરીમાં 200 પ્રજાતિઓના પાંચ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે, જે 2024 માં 4.12 લાખથી 21% વધુ છે. નિષ્ણાતોના મતે આનું મુખ્ય કારણ છેલ્લા બે વર્ષથી બંધ થઈ ગયેલું બોટિંગ, પ્રવાસીઓની અવરજવરમાં ઘટાડો અને ઘટી ગયેલું ધ્વનિ પ્રદૂષણ છે.
જાન્યુઆરી 2024 માં વડોદરામાં થયેલી હરણી દુર્ઘટના પછી સલામતીના કારણોસર બોટિંગ પ્રવૃત્તિ સ્થગિત કરવામાં આવી તે પહેલાં તળાવમાં લગભગ 250 હોડી ચાલકો કામ કરતા હતા. નિષ્ણાતો કહે છે કે સંખ્યામાં વધારો દર્શાવે છે કે સંવેદનશીલ વેટલેન્ડ્માં ઓછામાં ઓછી માનવ પ્રવૃત્તિઓ પક્ષીઓના જીવનને સીધી અસર કરી શકે છે.
આપણ વાચો: પક્ષીપ્રેમીઓ માટે મહત્ત્વના સમાચારઃ ધોલેરામાં પક્ષીઓની 171 અને પતંગિયાની 25 પ્રજાતિ મળી
શાંતિવાળું વાતાવરણ પક્ષીઓને લાંબુ રોકાણ કરવા આકર્ષે છે. વન વિભાગ દ્વારા અંતિમ આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એકંદર ગણતરી પહેલાથી જ પાંચ લાખના આંકને વટાવી ગઈ છે, જે અભયારણ્ય માટે સૌથી સફળ ઋતુઓમાંની એક હોવાનું સાબિત કરે છે. અધિકારીઓએ પક્ષીઓની વધેલી સંખ્યા માટે રહેવાની અનુકૂળ સ્થિતિ સાથે યોગ્ય વૉટર મેનેજમેન્ટને શ્રેય આપે છે..
અભયારણ્યમાં પાણીનું સ્તર હાલમાં ૩.૫ ફૂટની આસપાસ છે, જે નિષ્ણાતો અને અહીં કાર્યરત રહેતા કમર્ચારીઓના મતે રહેવા અને ખોરાક માટે અનુકૂળ છે. વન વિભાગના સતત પ્રયાસોને પગલે નર્મદાના પાણીના નિયંત્રિત પ્રવાહે સમગ્ર મોસમ દરમિયાન સ્થિર ભીનાશવાળી સ્થિતિ જાળવી શકાય છે, જેનાથી પક્ષીઓની હાજરીમાં વધારો થયો છે. પક્ષીઓની ગણતરી દરમિયાન અમુક લુપ્ત થતી પ્રજાતિઓના પક્ષીઓ પણ જોવા મળ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.



