નળસરોવરમાં 270 પ્રજાતિના 6.42 લાખ કરતા વધારે પક્ષી નોંધાયા, ફ્લેમિંગોની સંખ્યા ઘટી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઈ છે, જે ૨૭૦ જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ ગણતરી પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર અભયારણ્યને ૫૦ સર્વે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.
આ સાથે થોળમાં પણ 74,400 પક્ષી હોવાનું જાણવા મળ્યું છે. જોકે પક્ષીઓની સંખ્યા ઘણી સારી હોવા છતાં બન્ને રામસર સાઈટમાં ફ્લેમિંગોની સંખ્યા ઓછી જોવા મળી હતી. બન્ને વેટલેન્ડ્સમાં 1,622 ફ્લેમિંગોની હાજરી જોવા મળી હતી. નિષ્ણાતોના કહેવા અનુસાર ફ્લેમિંગો કચ્છમાં જતા હોવાનું જણાઈ આવે છે.
આપણ વાચો: માણસો ન હોય તો પશુ-પ્રાણીઓ મોજ કરે, નળસરોવરની પક્ષી ગણતરીએ સાબિત કરી દીધું
આ સાથે વઢવાણા વેટલેન્ડની ગણતરીમાં પક્ષીઓની સંખ્યા 2022 કરતા ઓછી હોવાનું બહાર આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર 2022માં 95,000 પક્ષી હતા, વનવિભાગે તાજેતરમાં કરેલી ગણતરી અનુસાર 47,700 પક્ષી હોવાનું બહાર આવ્યું હતું.
સરકારે યોજેલી પક્ષીગણતરીમાં કુલ ૨૨૦ પક્ષીવિદો અને ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. આ ટીમમાં ૩૫ વિદ્યાર્થીઓ, ૬૧ પક્ષી નિરીક્ષકો અને ફોટોગ્રાફી નિષ્ણાતો, ગુજરાત બહારથી આવેલા ૧૩ નિષ્ણાતો તેમજ વન વિભાગ તથા અન્ય વિભાગોના ૧૨ કર્મચારીઓ સામેલ હતા.
ખાસ કરીને સ્થાનિક ૯૯ બોટમેન અને માર્ગદર્શકોએ આ પ્રક્રિયામાં પાયાની ભૂમિકા ભજવી હતી. વન વિભાગ દ્વારા તમામ સહભાગીઓ માટે નિવાસ, ભોજન અને સેન્સસ કિટ્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, અને તેમના અમૂલ્ય યોગદાન બદલ સહભાગિતાના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.



