મુસ્લિમો પરસ્પર સંમતિથી મૌખિક રીતે લઇ શકે છૂટાછેડા, લેખિત કરાર જરૂરી નથી: ગુજરાત હાઈ કોર્ટ

અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે મુસ્લિમોમાં છૂટાછેડાને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે આ મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, મુસ્લિમ દંપતી પરસ્પર સંમતિથી ‘મુબારત’ (Mubaraat) દ્વારા છૂટાછેડા લઈ શકે છે અને તેના માટે કોઈ લેખિત કરાર કે દસ્તાવેજની જરૂર નથી. જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ એન. એસ. સંજય ગૌડાની ખંડપીઠે કુરાન અને હદીસના ઉદાહરણો આપીને રાજકોટની ફેમિલી કોર્ટના એક આદેશને રદ કર્યો હતો.
શું છે મામલો?
મળતી વિગતો અનુસાર રાજકોટની ફેમિલી કોર્ટે એક મુસ્લિમ દંપતીની અરજીને ફગાવી દીધી હતી, જેમાં દંપતીએ ‘મુબારત’ દ્વારા છૂટાછેડાની માંગ કરી હતી. ફેમિલી કોર્ટે જણાવ્યું હતું કે, આવા છૂટાછેડા માટે લેખિત કરાર હોવો ફરજિયાત છે અને તે ન હોવાના કિસ્સામાં અરજી કાયદેસર ગણાતી નથી. ફેમિલી કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ મામલો ફેમિલી કોર્ટ્સ એક્ટની કલમ ૭ હેઠળ આવતો નથી. દંપતીએ આ ચુકાદાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. દંપતીએ ૨૦૨૧માં બિહારમાં લગ્ન કર્યા હતા, પરંતુ પરસ્પર મતભેદોને કારણે તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.
મુબારત માટે લેખિત કરાર જરૂરી નથી
હાઈ કોર્ટે આ કેસની સુનાવણી કરતા કુરાનની કલમાનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, “મુબારત માટે કોઈ લેખિત કરાર હોવો જરૂરી નથી. મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ આવા છૂટાછેડા નોંધવા માટે કોઈ રજિસ્ટર રાખવાની પ્રથા પણ નથી. કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, નિકાહનામા કે રજિસ્ટરમાં લગ્નની નોંધણી એ માત્ર કરારની માન્યતા છે, પરંતુ તે લગ્ન માટે જરૂરી પ્રક્રિયાનો અનીવાર્ય ભાગ નથી. તે જ રીતે, ‘મુબારત’થી છૂટાછેડા માટે લેખિત કરાર પણ ફરજિયાત નથી.
કેસને ફરીથી રાજકોટની ફેમિલી કોર્ટમાં મોકલ્યો
હાઈ કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરતા કહ્યું હતું કે, “લેખિત કરારની જરૂરિયાત એ કુરાન, હદીસ, કે મુસ્લિમ પર્સનલ લૉમાં ક્યાંય દર્શાવવામાં આવી નથી.” કોર્ટે એમ પણ જણાવ્યું કે, ફેમિલી કોર્ટ દ્વારા લગ્નના રજિસ્ટરને લેખિત કરાર ગણાવવાનો તર્ક પણ ભૂલભરેલો હતો, કારણ કે રજિસ્ટર માત્ર લગ્ન કરારની ઓળખ દર્શાવે છે. આ ચુકાદા સાથે હાઈ કોર્ટે આ કેસને ફરીથી રાજકોટની ફેમિલી કોર્ટમાં મોકલ્યો હતો અને ત્રણ મહિનાની અંદર નવેસરથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો…હેં, આ હિંદુ એક્ટ્રેસે કરી લીધા મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન? ફોટો થયા વાઈરલ…