“ડોકટરોની ટીમે હાથ જોડ્યા પરિવારે કલમા પઢયાં” અને અમદાવાદ સિવિલને મળ્યું 160મુ અંગદાન
અમદાવાદ: અમદાવાદ સિવિલને તેનું 160મુ અંગદાન મળ્યું છે. અમદાવાદ નજીક રહેતા 50 વર્ષીય મુસ્લિમ વયસ્કને અકસ્માતમાં માથાના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવુંય ત્યારે ફરજ પરના તબીબે તેમને બ્રેઈન્ડેડ જાહેર કર્યા હતા. આ બાદ અંગદાન બાબતે પરિવારને તબીબોએ સમજાવતા પરિવારે અંગદાન માટે મંજૂરી આપી હતી. આ અંગદાનમાં બે કિડની તેમજ એક લિવરનું દાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અંગદાનમાં અગ્રેસર ગુજરાત: “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને છ એવોર્ડ
આ અંગદાન પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 159 અંગ દાન થયા છે. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા બે અંગદાન કરવામાં આવ્યા હતા. જો કે સરકાર તેમજ તમામ સામાજિક સમુદાયોના આગેવાનોના પ્રયાસોને કારણે, સમાજના તમામ વર્ગોમાં અંગદાન અંગેની જાગૃતિ વધી છે. જેના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ 160મું અંગદાન મુસ્લિમ સમાજનું ત્રીજું અંગદાન બન્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ સમાજ તરફથી કરવામાં આવેલું આ ત્રીજું અંગદાન છે. આ અંગદાન ખૂબ જ વિશેષ હતું. અંગદાન સમયે કરવામાં આવી રહેલી પ્રાર્થના સમયે અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ડોકટરોની ટીમ હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી તો બીજી તરફ મુસ્લિમ પરિવારના સભ્યો કલમા પઢી રહ્યા હતા. બ્રેઈન ડેડ 50 વર્ષીય મુસ્લિમ પુખ્ત વ્યક્તિના ગુપ્ત અંગદાન દ્વારા મેળવેલી બે કિડની અને એક લીવર સિવિલ કોમ્પ્લેક્સ સ્થિત કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય અંગદાન દિવસઃ ગુજરાતમાં કિડનીના 1865, લીવરના 344 દર્દી અંગદાનની પ્રતીક્ષામાં
ડો. જોષીએ જણાવ્યું હતું કે, અંગદાન અને તેના મહત્વને હવે તમામ વર્ગો, ધર્મો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો સ્વીકારી રહ્યા છે, જેના કારણે તમામ સમુદાયોમાં અંગદાનની એક સમજણ સ્વીકૃત બની રહી છે. આ અંગદાનથી સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં 160 અંગદાતાઓ તરફથી કુલ 517 અંગો મળ્યા છે, જેના દ્વારા અમે 501 વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળ થયા છીએ.