અમદાવાદના આરટીઆઈ કાર્યકરની હત્યા મામલે માનવાધિકાર પંચે રાજ્યના પોલીસ વડાને નોટિસ પાઠવી

અમદાવાદ: છેલ્લા એક દાયકાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનાર જાણીતા દિવ્યાંગ આરટીઆઈ કાર્યકર્તા રસિક પરમારની હત્યાના બનાવ મામલે ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર પંચે સ્વતઃ સંજ્ઞાન લઈને ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવી હતી.
મળતી વિગતો અનુસાર, ૧૨ ઓક્ટોબરના રોજ રસિક પરમારનું તેમના સંબંધીના નિવાસસ્થાન પાસેથી અજાણ્યા લોકો દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. મંગળવારે મોડી સાંજે થરાદની કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
આપણ વાંચો: AMCના કૌભાંડો ખોલનાર દિવ્યાંગ RTI એક્ટિવિસ્ટની હત્યા, 4 આરોપી ઝડપાયા, 20 લાખમાં ડીલ!
ત્યારબાદ બુધવારે વહેલી સવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. રસિક પરમારની હત્યાને પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત માનવામાં આવી રહી હતી પરંતુ મૃતકના ભત્રીજાએ હત્યાની શંકા વ્યક્ત કરતા હત્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર પંચના જણાવ્યા અનુસાર, મીડિયામાં 15મી ઑક્ટોબર, 2025ના રોજ પ્રકાશિત થયેલા આ અહેવાલોની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય માનવાધિકાર પંચે આ મામલે સખત વલણ અપનાવ્યું છે. પંચે અવલોકન કર્યું છે કે, જો સમાચારની વિગતો સાચી હોય તો તે પીડિતના માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનનો મુદ્દો ઊભો કરે છે.
આપણ વાંચો: AMC કૌભાંડોના RTI એક્ટિવિસ્ટનું અપહરણ બાદ મર્ડર: કેનાલમાંથી મૃતદેહ મળતા ચકચાર, ગળું દબાવ્યાના નિશાન
આ સંદર્ભમાં, રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવી હતી અને પંચે તેમને આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ બે અઠવાડિયાની અંદર રજૂ કરવા જણાવ્યું છે.
મીડિયા અહેવાલ મુજબ, મૃતક આરટીઆઈ કાર્યકરે અગાઉ સત્તાવાળાઓ સમક્ષ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ યોજના હેઠળની ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પરિયોજનામાં સ્થાનિક બિલ્ડરો દ્વારા કથિત નકલી લાભાર્થી દસ્તાવેજો અને અન્ય અનિયમિતતાઓ અંગે ફરિયાદો નોંધાવી હતી. આના પરથી શંકા ઊભી થાય છે કે તેમના મૃત્યુ પાછળ આ ફરિયાદો સંબંધિત કોઈ કારણ હોઈ શકે છે.