AMC કૌભાંડોના RTI એક્ટિવિસ્ટનું અપહરણ બાદ મર્ડર: કેનાલમાંથી મૃતદેહ મળતા ચકચાર, ગળું દબાવ્યાના નિશાન | મુંબઈ સમાચાર
અમદાવાદ

AMC કૌભાંડોના RTI એક્ટિવિસ્ટનું અપહરણ બાદ મર્ડર: કેનાલમાંથી મૃતદેહ મળતા ચકચાર, ગળું દબાવ્યાના નિશાન

અમદાવાદ: છેલ્લા એક દાયકાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અનેક કૌભાંડોનો પર્દાફાશ કરનાર જાણીતા દિવ્યાંગ RTI કાર્યકર્તા રસિક પરમારની હત્યા કરવામાં આવી છે. મંગળવારે સાંજે તેમનો મૃતદેહ થરાદ નજીકની એક કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહ પર ગળું દબાવ્યાના નિશાન મળી આવ્યા છે, અને પ્રાથમિક દૃષ્ટિએ આ ટાર્ગેટ હત્યાનો મામલો જણાય છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ અને ધમકીઓ

રસિક પરમાર (ઉ.વ. ૫૫), વાડજ વિસ્તારના રહેવાસી હતા અને વર્ષો પહેલા ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે તેમના બંને હાથ અને એક પગમાં લકવો થયો હોવા છતાં, તેઓ સામાજિક અને નાગરિક બાબતોમાં સક્રિય હતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના crusader તરીકે સ્થાનિક સ્તરે જાણીતા હતા. એફઆઈઆર (FIR) મુજબ, પરમારે PPP સ્કીમ હેઠળના ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ૧,૪૪૯ મકાનો અને ૧૩૦ દુકાનોનો સમાવેશ થતો હતો. તેમણે સ્થાનિક બિલ્ડરો દ્વારા કરાયેલા નકલી લાભાર્થી દસ્તાવેજો અને અન્ય અનિયમિતતાઓ અંગે AMC, ગાંધીનગર કલેક્ટર કચેરી, મુખ્યમંત્રી કાર્યાલય અને હાઈકોર્ટમાં વારંવાર ફરિયાદો દાખલ કરી હતી.

મૃતકના ભત્રીજાએ નોંધાવેલી FIRમાં જણાવાયું છે કે પરમારને કથિત ગેરરીતિઓમાં સામેલ રાજુ કરાટે અને કમલેશ સોલંકી નામના વ્યક્તિઓ તરફથી વારંવાર ધમકીઓ મળી હતી. તેમણે પરમારને તેમની ગેરરીતિઓ ઉજાગર ન કરવા માટે ચેતવણી આપી હતી. ધમકીઓ છતાં, પરમારે સોશિયલ મીડિયા પર સક્રિય રહીને પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો અને તેઓ ધમકીઓથી ડરશે નહીં તેમ જાહેર કર્યું હતું.

હત્યા અને પોલીસની તપાસ

૧૨ ઓક્ટોબરના રોજ પરમારનું તેમના સંબંધીના નિવાસસ્થાન પાસેથી અજાણ્યા લોકો દ્વારા કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. મંગળવારે મોડી સાંજે થરાદની કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બુધવારે વહેલી સવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

થરાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. થરાદ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીએ જણાવ્યું કે, “અમે ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ સંબંધિત અગાઉની ધમકીઓ અને વિવાદો સહિત તમામ મુદ્દાઓથી તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક દૃષ્ટિએ, આ લક્ષિત હત્યા હોવાનું જણાય છે.” પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ધમકી આપનાર વ્યક્તિઓ અને અપહરણના પુરાવા એકત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો…ગોંડલના રાજકુમાર જાટ મર્ડર કેસમાં નવો વળાંક: સુરેન્દ્રનગર એસપીને તપાસ સોંપવામાં આવી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button