અમદાવાદ

પાલિકાએ વીમો લીધો હોવા છતાં વીમા કંપનીની શરતે કાંકરિયા કાર્નિવલને વિવાદમા મૂકી દીધો

અમદાવાદઃ શહેરના જાણીતા કાર્યક્રમ કાંકરિયા કાર્નિવલ એક વિવાદને કારણે વધારે ચર્ચામાં છે. કાર્નિવલ માટે રૂ. 5,000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે, પરંતુ વીમા કંપની દ્વારા લાદવામાં આવેલી શરતથી મ્યુનિસિપલ કોર્પોરેશન પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. મફત પ્રવેશ હોવા છતાં, વીમા કંપનીએ સત્તાવાર ટિકિટ લેવી પડે તેવો એક નિયમ લાગ્યો છે. જોકે વિવાદ સર્જાતા AMC એ સુધારાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરી રહી છે. કોર્પોરેશને આ કાર્યક્રમ માટે ₹5,000 કરોડનો વીમો લીધો છે. જોકે, વીમા શરતોને કારણે આ કવરેજ હવે વિવાદમાં ફસાઈ ગયું છે. વીમા કંપનીની શરત જણાવે છે કે અકસ્માતની સ્થિતિમાં, ફક્ત સત્તાવાર પ્રવેશ ટિકિટ ધરાવતા લોકો જ વીમા લાભ માટે પાત્ર બનશે, જોકે કાર્નિવલમાં પ્રવેશ સંપૂર્ણપણે મફત છે.

અમદાવાદમાં આ વખતે, AMC એ ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી રૂ. 5,000 કરોડનું સુરક્ષા કવચ લીધું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ કવર માટે આશરે રૂ. 4 લાખનું પ્રીમિયમ પણ ચૂકવ્યું છે, પરંતુ વીમા કંપનીના નિયમો અને શરતોએ આ સમગ્ર વીમા કવરેજને વિવાદમા મૂકી દીધું છે.

વીમા કંપનીની શરતો અનુસાર, જો કાર્નિવલ દરમિયાન કોઈ અકસ્માત થાય છે, તો ફક્ત તે મુલાકાતીઓ જ વીમા દાવા માટે પાત્ર બનશે જેમની પાસે સત્તાવાર પ્રવેશ ટિકિટ છે. જ્યારે બીજી બાજુ હકીકત એવી છે કે કાંકરિયા કાર્નિવલ નાગરિકો માટે સંપૂર્ણપણે મફતમાં યોજવામાં આવે છે, અને કોઈ પ્રવેશ ટિકિટ આપવામાં આવતી નથી.

આ શરત પર વિવાદ થતાં જ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું. AMC સ્ટેન્ડિંગ કમિટીએ તાત્કાલિક અધિકારીઓને વીમા કંપનીની વિવાદાસ્પદ શરતોનો ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો. તેમણે શરતોમાં જરૂરી સુધારા કરવા વિનંતી કરી જેથી કાર્નિવલમાં ભાગ લેનારાઓની સલામતી સાથે ચેડા ન થાય. કાર્નિવલમાં લાખો લોકો આવે છે. રોજ નવા નવા કાર્યક્રમો યોજાય છે. લોકોની સલામતી માટે પાલિકાએ પહેલેથી જ વીમો લઈ રાખ્યો છે.

આપણ વાંચો:  અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે ગુજરાત સરકાર કટિબદ્ધઃ વન-પર્યાવરણ પ્રધાનનો દાવો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button