
અમદાવાદઃ રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી 27 ટકા ઓબીસી અનામતના અમલ સાથે યોજાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી મહાનગરપાલિકાઓ સહિત 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસી અનામતના 27 ટકાનો અમલ કરવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણી સામે આવેલી વિગત મુજબ, 192 બેઠકો પર 33 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 59 અને 133 બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ માટે 52 અને અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની બેઠકો માટે જાહેર કરવામાં આવેલી ફાળવણી મુજબ અનુસુચિત જાતિ માટે 20 બેઠકો અનામત રાખવામાં આવી છે, જેમાં 10 બેઠકો સ્ત્રી માટે અનામત છે. જ્યારે અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકમાંથી એક બેઠક સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. પછાત વર્ગની 52 બેઠકોમાંથી 26 બેઠકો સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે.



