મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ ગતિ આવી
ટ્રેક સ્લેબ નિર્માણ ફેક્ટરીની સુરતમાં શરૂઆત
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર શનિવારે સુરતમાં તેની પ્રથમ ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની સ્થાપના સાથે નોંધપાત્ર સીમાચિહ્ન પર પહોંચી ગયો છે. આ ફેક્ટરી ૩૨૦-૩૫૦ કિમી પ્રતિ કલાકની ટ્રેનની ઝડપ મેળવવા સક્ષમ ટ્રેકનું નિર્માણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોરના 12 પુલનું કામ પૂર્ણ…
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે દરરોજ ૧૨૦ સ્લેબની ઉત્પાદન ક્ષમતા સાથે અત્યાધુનિક ફેક્ટરીનું અનાવરણ કર્યું. આ સ્લેબ વધુ ઝડપે સ્થિરતા સુનિશ્ચિત કરવા, ટ્રેકને સુરક્ષિત રીતે સ્થાને રાખવા માટે જરૂરી છે. પ્રોજેક્ટને વધુ ગતિ આપવા માટે, એનએચએસઆરસીએલ આવતા વર્ષ સુધીમાં મહારાષ્ટ્રમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને દહાણુ વચ્ચે બીજી ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધા સ્થાપવાની યોજના ધરાવે છે. આ બીજી ફેક્ટરી માટેના ટેન્ડર ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં મંગાવવામાં આવશે, જેમાં કોન્ટ્રાક્ટરોને સ્થળને અંતિમ સ્વરૂપ આપવાનું કામ સોંપવામાં આવશે.
આ પણ વાંચો: Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ગુજરાતના સ્ટેશનો સ્થાનિક હેરિટેજને ઉજાગર કરશે, જાણો વિગત
સુરત સુવિધા બેલાસ્ટલેસ ટ્રેક સ્લેબ બનાવવા માટે જાપાનની શિંકનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે કોરિડોર (૨૩૭ કિમી)ના ગુજરાત અને દમણ-દીવ વિભાગોને આવરી લેશે. પ્રત્યેક પ્રીકાસ્ટ રિઇનફોર્સ્ડ કોંક્રીટ સ્લેબ ૨,૨૦૦ મીમી પહોળા ૪,૯૦૦ મીમી લાંબા અને ૧૯૦ મીમી જાડા, તથા આશરે ૩.૯ ટન વજન ધરાવે છે.
ફેક્ટરીની વિશેષતાઓ
* ફેક્ટરી ૧૯ એકરમાં ફેલાયેલી છે
* ત્રણ સમર્પિત નિર્માણ ખંડોમાં એક સાથે સ્લેબ ઉત્પાદન માટે ૧૨૦ મોલ્ડ છે.
* શ્રેષ્ઠ શક્તિની ખાતરી કરવા માટે સ્લેબ સ્ટીમ ક્યોરિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે
* આ પહેલાં ૨૮ દિવસ માટે સ્લેબને ફેક્ટરીમાં રાખવામાં આવ્યા બાદ, બાંધકામ સ્થળે મોકલવામાં આવે છે.
* અત્યાર સુધીમાં, ૯,૭૭૫ સ્લેબનું નિર્માણ થઇ ચૂક્યું છે.
* આણંદ ખાતેની ફેક્ટરીએ ૨૨,૦૦૦થી વધુ સ્લેબનું નિર્માણ કર્યું છે, જે સંયુક્ત ૧૧૦ ટ્રેક કિલોમીટરને આવરી લે છે.