Mumbai-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પૂરજોશમાં, આટલા ટકા કામ પૂર્ણ થયું
અમદાવાદઃ લોકસભામાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં નોંધાયું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટમાં ઓક્ટોબર-2024 સુધીમાં 47.17 ટકા ભૌતિક પ્રગતિ હાંસલ થઈ છે. ડિસેમ્બર-2015માં ભારત સરકાર 1.08 લાખ કરોડના કુલ ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવાની મંજૂરી આપી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 67,486 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે અને આ પ્રોજેક્ટના કુલ કામોમાંથી 47.17 ટકા જેટલું કામ પૂરુ થઈ ચૂક્યું છે.
362 કિમીનું પિઅર ફાઉન્ડેશન વર્ક પૂર્ણ
ગુજરાત અને મહારાષ્ટ્રમાં હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના કુલ 508 કિલોમીટરના વિસ્તારમાં બુલેટ ટ્રેન કોરિડોર ઇન્ટરસિટી મુસાફરી માટે કુલ 12 સ્ટેશનો તૈયાર થવાના છે. હાલની સ્થિતિએ 243 કિમીથી વધુ વાયડક્ટ બાંધકામ, 352 કિમીનું પિઅર કામ અને 362 કિમીનું પિઅર ફાઉન્ડેશન વર્ક પણ પૂરા કરાયા છે. આ પ્રોજેક્ટમાં 5 સ્ટીલ બ્રિજ અને બે પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલ દ્વારા 13 નદીઓ, બહુવિધ રેલવે લાઇન અને હાઇવે પરના ક્રોસિંગ પર પુલનું નિર્માણ પણ હાથ ધરાયું છે.ગુજરાતમાં ટ્રેકનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે.
21 કિલોમીટર ટનલ હાલ નિર્માણાધીન
આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં રિઇનફોર્સ્ડ કોંક્રીટ ટ્રેક બેડનું બાંધકામ ઝડપભેર ચાલી રહ્યું છે. જેમાં 71 ટ્રેક કિમી પૂર્ણ થયા છે. મહારાષ્ટ્રમાં પણ મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન માટે પ્રથમ કોંક્રિટ બેઝ-સ્લેબ સફળતાપૂર્વક 32 મીટરની ઊંડાઈએ નાખવામાં આવ્યો છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટાને જોડતી 21 કિલોમીટર ટનલ હાલ નિર્માણાધીન છે.
394 મીટરની મધ્યવર્તી ટનલ પહેલેથી જ પૂર્ણ
જેમાં મુખ્ય ટનલના વિકાસની સુવિધા માટે 394 મીટરની મધ્યવર્તી ટનલ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડએ મહારાષ્ટ્રમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિની જાણ કરી હતી.