અમદાવાદ

અમદાવાદમાં ₹248 કરોડના ખર્ચે અખબારનગરમાં આધુનિક ‘મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ’ બનશે, હશે આવી સુવિધા

અમદાવાદ: શહેરની ઓળખ સમાન લાલ બસ એટલે કે એએમટીએસના અખબારનગર ડેપોને આધુનિક રૂપ આપવામાં આવશે. જે માટે બિડ મંગાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વાડજ વિસ્તારના અખબારનગર ખાતે આધુનિક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ ના વિકાસ માટે ઇ-બિડ્સ મંગાવાઈ છે. આ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ હાથ ધરવામાં આવશે.

શહેરના કીટલી સર્કલ પાસે આવેલા ફાઈનલ પ્લોટમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 18 માળનું આ ભવ્ય હબ તૈયાર કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ AMTS, BRTS અને GSRTC ST બસ સેવાઓને એક જ સ્થળે લાવીને મુસાફરોને સુવિધા આપવાનો અને શહેરના ગીચ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાનો છે.

આ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ PPPના ધોરણે 5564 સ્કેવર મીટરના વિશાળ વિસ્તારમાં બનાવાશે. આ હબ બનવાથી ST સહિતની બસોને શહેરના ગીચ ટ્રાફિકમાં પ્રવેશવાની સમસ્યાનો અંત આવશે અને શહેર બહારથી આવતા-જતા પેસેન્જરોને બસ પકડવામાં મોટી રાહત થશે. AMTS, BRTS અને ST બસોને પૂર્વ તરફના ૩૦ મીટરના રોડથી એન્ટ્રી અપાશે અને પશ્ચિમ તરફના રોડથી બસો બહાર જઈ શકશે. મેટ્રો સ્ટેશન ઉત્તર દિશામાં અને BRTS ટર્મિનલ દક્ષિણ દિશામાં આવેલું છે.

પ્રોજેક્ટની મુખ્ય વિગતો

આ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ ₹248.87 કરોડ છે. બિડ બાદ પસંદગી પામેલા કન્સેશનરને સંચાલન અને જાળવણી માટે 90 વર્ષનો સમયગાળો આપવામાં આવશે. પ્રથમ તબક્કાનું બાંધકામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જ્યારે સમગ્ર પ્રોજેક્ટ 48 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. હબનું આયોજન, ડિઝાઇન, ધિરાણ, બાંધકામ, માર્કેટિંગ, સંચાલન અને જાળવણી, તેમજ વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ હબ 5,564 ચોરસ મીટર (એફપી નંબર 763, ટીપીએસ નંબર 28) વિસ્તારને આવરી લેશે. તેમાં બસ ફેસેલિટીઝ, કોમર્શિયલ આઉટલેટ્સ, કોર્પોરેટ ઓફિસો, ગ્રીન સ્પેસીસ, EV ચાર્જિંગ સ્ટેશનો, મલ્ટી-ટાયર બેઝમેન્ટ પાર્કિંગ તેમજ આધુનિક સુવિધાઓ સાથે G+18 માળની ઇમારત હશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી અખબારનગર મોર્ડન ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઉભરશે અને મુસાફરોને અમદાવાદમાં વધુ એક વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button