અમદાવાદ

મ્યુલ અકાઉન્ટ કૌભાંડમાં અમદાવાદની એક બેંકના ખાતામાં મહિનામાં દોઢસો કરોડના વ્યવહાર…

અમદાવાદઃ શહેરના રામોલ પોલીસે નોંધાવેલી ફરિયાદ મુજબ રામોલની એક બેંકમાં એક મહિનામાં ૧૪૮.૩ કરોડ રૂપિયાના વ્યવહારો નોંધાયા હતા અને દેશભરમાંથી ૧૧૭ સાયબર છેતરપિંડીની ફરિયાદમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

શહેરની એક સહકારી બેંકમાં ખોલવામાં આવેલા આ ખાતાનો ઉપયોગ ૧ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન અનેક ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની રકમને રૂટ કરવા માટે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ફરિયાદમાં જણાવાયું હતું કે એકાદ મહિનામાં ખાતામાં ૧૪૮.૩૩ કરોડ રૂપિયા જમા થયા હતા, જેમાંથી ૧૪૮.૩૨ કરોડ રૂપિયા તાબડતોબ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને માત્ર ૪૬,૦૦૦ રૂપિયાથી વધુ રકમ બાકી રહી ગઈ હતી.

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.એફઆઈઆર અનુસાર મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી નોંધપાત્ર સંખ્યામાં ફરિયાદો આવી હતી. કુલ ૧૧૭ ફરિયાદોમાંથી ૨૩ મહારાષ્ટ્રની, ૧૧ કર્ણાટકની અને નવ રાજસ્થાનની હતી, જ્યારે બાકીની ફરિયાદો ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઓડિશા સહિતના રાજ્યોમાં ફેલાયેલી હતી.

એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપીઓએ નામ આપવામાં આવેલા ખાતાધારકોની બેંકિગ અને ફાયનાન્સને લગતી ઓછી જાણકારીઓનો ફાયદો ઉઠાવી, લોનની વ્યવસ્થા કરવાના બહાના હેઠળ બેંક ખાતા ખોલ્યા હતા અને સાયબર છેતરપિંડી સાથે જોડાયેલા ભંડોળના ટ્રાન્સફર માટે સંકળાયેલ પાસબુક, ચેકબુક અને એટીએમ કાર્ડ પર કન્ટ્રોલ રાખ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓને શોધવા અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સાયબર ક્રાઈમ મ્યુલ અકાઉન્ટ કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યા છે.

આ પણ વાંચો…રાજકોટમાં મ્યુલ અકાઉન્ટ ફ્રોડમાં 51 જણની ધરપકડ…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button