અમદાવાદ

પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલા ભરવા માટે મનસુખ વસાવાએ સીએમને લખ્યો પત્ર

અમદાવાદઃ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વાસાવા અવારનવાર મુખ્ય પ્રધાનને પત્ર લખીને ચર્ચાનું કેન્દ્ર બનતા રહે છે. તેમણે ફરીવાર પત્ર લખીને ભરૂચ જિલ્લાના નબીપુર અને આમલેથા પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. તેમણે આ પોલીસ મથકના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતે ધમકાવવાનો આરોપ લગાવી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માગ કરી હતી.

પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચ જિલ્લાના નબીપુર તેમ જ નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારી સામે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર આક્ષેપ કર્યા હતાં. તેમણે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, નબીપુર તેમજ આમલેથાનાં પોલીસ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઇ પણ ગુના વગર ખોટી રીતે ધમકાવી હેરાન કરે છે. અંગ્રેજોનાં શાસન કરતા પણ વધારે આ પોલીસ અધિકારીઓ અત્યાચાર ગુજારતા થયા છે. મનસુખ વસાવાએ બુટલેગરો અને રીઢા ગુનેગારોને પોલીસ છાવરે છે તેવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો : મોઝામ્બિકમાં ફાટી નીકળેલી હિંસામાં ભરૂચના સીતપોણના 10 પરિવાર ફસાયા

નિર્દોષ લોકો પર પોલીસ ગુજારે છે ત્રાસ

સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ નિર્દોષ લોકો પર ત્રાસ ગુજારે છે અને ગુનેગારોને છાવરે છે. ન્યાયપ્રિય સરકારમાં આવું ન જ થવું જોઈએ. બન્ને પોલીસ સ્ટેશનનાં અધિકારી સામે કાયદાકીય કાર્યવાહી થાય તેમજ ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. સાંસદ મનસુખ વસાવાએ આ પત્રને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button