ગુજરાતમાં કારતકમાં જામ્યો અષાઢી માહોલ, 25 તાલુકામાં વરસાદથી ધરતીપુત્રોની ચિંતા વધી | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં કારતકમાં જામ્યો અષાઢી માહોલ, 25 તાલુકામાં વરસાદથી ધરતીપુત્રોની ચિંતા વધી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થતા ધરતીપુત્રોની ચિંતા વધી હતી. અમરેલી, ગીર સોમનાથ, વલસાડ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયાં હતા અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સવારે 6 થી સાંજના 6 સુધીમાં 25 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.જેના કારણે કારતકમાં અષાઢી માહોલ છવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

આપણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો, ઉઘાડ નીકળતાં ધરતીપુત્રો ખુશ

ક્યાં કેટલો પડ્યો વરસાદ

નવસારીમાં 2.20 ઇંચ, ઉમરગાવમાં 1.46 ઇંચ, ડાંગ આહવામાં 1.10 ઇંચ, પાટણ (વેરાવળ)માં 1.42 ઇંચ, જલાલપોરમાં 1.18 ઇંચ, ખેરગામમાં 1.18 ઇંચ, ડાંગ-આહવામાં 1.10 ઇંચ, કપરાડામાં 1.06 ઇંચ, વાપીમાં 0.71 ઇંચ, ગલતેશ્વરમાં 4.47 ઇંચ, પારડીમાં 0.39 ઇંચ, માળીયા હાટીનામા 0.39 ઇંચ, સિંગવડમાં 0.31 ઇંચ, વલસાડમાં 0.31 ઇંચ, સુબીરમાં 0.28 ઇંચ, તાલાલામાં 0.24 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં એક તાલુકામાં બે ઇંચથી વધારે, છ તાલુકામાં એક ઇંચથી વધુ અને 18 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

આપણ વાંચો: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સાચવ્યું ‘ભીમ અગિયારસ’નું મુર્હુત; ધરતીપુત્રોએ કર્યા વાવણીના ‘શ્રીગણેશ’…

ખેતી પાકને નુકસાન

સુરત શહેરમાં વાતાવરણ પલટો આવતાં ડુમસ બીચ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં ફરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પવન અને વરસાદથી બચવા માટે લોકોએ તાત્કાલિક દુકાનોનો આશરો લીધો હતો અને દરિયા કિનારે આવેલી નાની-મોટી દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો શરણ લેવા દોડી ગયા હતાં.

અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદના કારણે ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાન થવાની ભીતી વ્યક્ત કરી હતી.દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટું નુકસાન થઈ શકે છે. લાંબા સમયથી વાતાવરણમાં આવી રહેલા બદલાવને કારણે ખેતીનો વ્યવસાય વધુ જોખમકારક બન્યો છે. અનિયમિત વરસાદ અને વાતાવરણીય પલટા ખેડૂતો માટે સતત પડકાર ઊભા કરી રહ્યા છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

આ ઉપરાંત અરબ સાગરમા ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રનો દરીયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું હતું.અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર એક નંબર સિગ્નલ હટાવી ભયજનક 3 નંબર સિગ્નલ લગાવાયું હતું. તેમજ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button