અમદાવાદ

સોશિયલ મીડિયા કારણ બન્યું મોતનુંઃ ભાવનગરમાં મા-દીકરાએ કરી યુવતીની હત્યા

અમદાવાદઃ ભારતીય બંધારણે 18 વર્ષ ઉપરના યુવાને ઘણી સ્વંતત્રતાઓ આપી છે, જેમાં પોતાના જીવનસાથીને પસંદ કરવાના હકનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં એવા કેટલાય બનાવો બને છે, જેમાં સમાજ કે પરિવાર ખાસ કરીને દીકરીને આ હક આપવામાં માનતો નથી.

દીકરીએ યોગ્ય પાત્ર ન શોધ્યું હોય તો માતા-પિતાને હક છે કે તેઓ તેમને સમજાવે અને પાછી વાળે, પરંતુ તેને મારી નાખવાનો હક તેમને નથી. ભાવનગરમાં આવી જ ઘટના બની છે, જેમાં સોશિયલ મીડિયા પર એક યુવાન સાથે વાત કરતી દીકરીને માતા અને ભાઈએ મારી નાખી છે.

ભાવગનરના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં એક શ્રમજીવી પરિવારે ઈન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે વાત કરતી પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પારૂલ હિંમતભાઈ સરવૈયા નામની 22 વર્ષીય યુવતી મોબાઈલ પર વિવેક કનૈયાલાલ સિહોરા નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી અને તેની સાથે વાત કરતી હતી.

આપણ વાંચો: ફરી બ્લુ ડ્રમ મર્ડરઃ આ વખતે મિત્રએ મહિલા મિત્રને સાવ નજીવી વાતે મારી નાખી

યુવતીની માતા દયાબેનને આ પસંદ ન હોવાથી માતા અને ભાઈ પ્રકાશ તેને વિવેક સાથે વાત ન કરવા કહેતા હતા, પરંતુ યુવતી તેની સાથે સંબંધ રાખવા અને તેની સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠી હતી. હજુ બે મોટા ભાઈના લગ્ન બાકી હોય અને દીકરી આવું કંઈ કરશે તો આબરુ જશે, તેવું માતા દયાબેનનું કહેવાનું હતું.

આ મામલે થયેલા ઝગડામાં માતા અને ભાઈએ છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી અને તેની લાશ ચેકડેમમાં ફેંકી દીધી હતી. આ સાથે તેના લોહીવાળા કપડા પણ સળગાવી દીધા હતા. જોકે પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. હવે પિતા હિંમતલાલભાઈએ પત્ની અને દીકરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ વિશેષ તપાસ હાથ ધરી રહી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button