મહિનાના અંત સુધીમાં મોટેરાથી મહાત્મા મંદિરના મેટ્રો રુટની થશે શરૂઆત

ગાંધીનગર: અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરને જોડતી મેટ્રો રેલના કાર્યનો બીજો તબક્કો આ મહિનાના અંત સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS)એ આંશિક રૂટનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. જો કે આ સાથે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી રૂટ પર કામ ચાલુ છે અને તે વર્ષના અંત પહેલા કાર્યરત થઈ શકશે નહીં કારણ કે તે રૂટ સાથેના બે સ્ટેશનનું કામ હજુ અધૂરું છે.
આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨નું કામ પૂર્ણતાના આરે: માર્ચ-એપ્રિલમાં ટ્રાયલ શરૂ થવાની શક્યતા
મેટ્રોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે CMRS દ્વારા કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું છે અને જરૂરી કામ પૂર્ણ કરી દીધું છે. નિરીક્ષણના અહેવાલણે ટૂંક સમયમાં જ સોંપવામાં આવશે અને CMRSની અંતિમ મંજૂરી મળ્યા બાદ આ રૂટ કાર્યરત થશે. મોટેરાને ગાંધીનગરના સેક્ટર I (ઇન્દ્રોડા સર્કલ)ને જોડનારા કનેક્ટરના બીજા તબક્કા માટે ટ્રાયલ રન ફેબ્રુઆરીમાં પૂર્ણ થયું હતું. નર્મદા કેનાલ પર 300 મીટર લાંબો કેબલ બ્રિજ પણ નાખવામાં આવ્યો છે.
જો કે બીજા તબક્કાના કોરિડોરની કુલ લંબાઈ 28.26 કિલોમીટર છે, જેમાં મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોરના 22.84 કિલોમીટર અને મહાત્મા મંદિર-GNLU- GIFT સિટી કોરિડોરના 5.42 કિલોમીટરનો સમાવેશ થાય છે. મોટેરાથી મહાત્મા મંદિર સુધી 20 અને GNLU-ગિફ્ટ સિટીમાં 2 સ્ટેશન છે.
આ પણ વાંચો: અમદાવાદીઓને મોટી ભેટ, હવે 2 વાગ્યા સુધી મેટ્રો મળશે
બીજા તબક્કાના 22 સ્ટેશનોમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, ઓલ્ડ કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલા કુવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર 10 એ. , સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24, અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.