
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફની સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ જામશે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.
રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 116 તાલુકામાં વરસાદ પડ્યો હતો. પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ઉમરેઠમાં 4.72 ઇંચ, કડાણામાં 4.33 ઇંચ, સંતરામપુરમાં 4.13 ઇંચ, બોરસદમાં 3.07 ઇંચ, નેત્રંગમાં 2.72 ઇંચ, ઘોઘંબામાં 2.28 ઇંચ, જાંબુઘોડામાં 2.01 ઇંચ વરસાદ પડ્યો હતો.
હાલોલ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ પડતાં પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો હતો. હાલોલમાં આભ ફાટતા શેરીઓમાં નદીઓ વહેતી થઈ હતી. વરસાદની સ્થિતિને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલોલમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 94 ટકા જેટલો ભરાયો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે એના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 88.46 ટકા નોંધાયો છે. કચ્છમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 92.78 ટકા, પૂર્વ મધ્યમાં 85.03 ટકા, સૌરાષ્ટ્રમાં 84.17 ટકા, દક્ષિણ ગુજરાતમાં 92.69 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 104 ડેમ હાઇ એલર્ટ પર છે. જ્યારે 78 ડેમ 100 ટકા ભરાયેલા છે.
હિંમતનગરમાં 17 કાર પાણીમાં ગરકાવ
હિંમતનગરમાં ભારે વરસાદના કારણે અઢીસો કરતા વધારે સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જ્યારે અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ પ્રજ્ઞાકુંજ સોસાયટી અને અવની પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા, જેને લઈને કોમન પ્લોટમાં પાર્ક કરેલ 17 જેટલી કાર ડૂબી ગઈ હતી.
બનાસકાઠાના ઝરણા વહેતા થયા
બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદ બાદ ઘરેડા, બૂઝરો, વેલવાડા સહિતના ઝરણાઓ વહેતા થયા હતા. તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઝરણાઓ વહેતા થયા હતા. વેલવાડા-ગંછેરા પાસે આવેલા ઝરણા પર સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠી હતી.
આ પણ વાંચો…હાલોલમાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ, પાવાગઢમાં પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો