અમદાવાદ મેટ્રોમાં અત્યાર સુધીમાં ૧૦ કરોડથી વધુ નાગરિકોએ મુસાફરી કરી; દૈનિક મુસાફરોની સંખ્યા ૧.૫ લાખ

અમદાવાદ: આજના સમયમાં ટ્રાફિક, પેટ્રોલ-ડીઝલના ભાવ જેવી અનેક સમસ્યાઓની સામે જાહેર પરિવહન ખૂબ જ અગત્યનું માધ્યમ બનતું જાય છે. ત્યારે અમદાવાદ મેટ્રોની સફર વર્ષ ૨૦૨૫માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ ૩૫ હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને ૧.૫ લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ ૧૦.૩૮ કરોડ નાગરીકોએ મુસાફરી કરી છે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં મંજૂર થયો હતો. માર્ચ ૨૦૧૯માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી. વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૨ કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.
બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો કુલ ૨૮.૨ કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. મોટેરાથી સેક્ટર-૧ અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર ૨૦૨૪માં શરૂ થયો જ્યારે સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ ૨૦૨૫માં ખુલ્લો મુકાયો છે. ટૂંક સમયમાં અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો રૂટ સંપૂર્ણ કાર્યરત થતાં કુલ ૬૮ કિ.મી.ના રૂટ પરના ૫૪ સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે. મેટ્રોનું ભાડું માત્ર ₹૦૫ થી ₹૪૦ સુધીનું રાખવામાં આવ્યું છે. દૈનિક મુસાફર માટે પ્રતિ કિલોમીટર સરેરાશ રૂ. ૧ ના ભાડે સફર કરાવતી મેટ્રો સામાન્ય માણસ માટે ખરેખર બજેટ-ફ્રેન્ડલી મુસાફરી બની ગઈ છે.
આ પણ વાંચો…આઈપીએલ ફળી અમદાવાદ મેટ્રોનેઃ નવ દિવસમાં બે કરોડની કમાણી