ભાજપના કાર્યકરની સરાજાહેર હત્યા બદલ મોન્ટુ નામદાર સહિત ચારને આજીવન કેદ…

અમદાવાદઃ શહેરમાં ભાજપના નેતા રાકેશ મહેતાની સરાજાહેર હત્યા કરનારા મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર અને ત્રણ અન્ય આરોપીને અમદાવાદ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જૂન 2022માં હત્યા થઈ હતી.
અન્ય દોષિતોમાં વિશ્વ રામી, જયરાજ દેસાઈ અને સુનીલ બજાણીયા હતા, જે 20-25 વર્ષના છે, તેમને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે ચારેય આરોપીઓ પર રૂ. 35,000 નો દંડ પણ ફટકાર્યો હતો. આ તમામને હત્યા, ગુનાહિત કાવતરું અને રમખાણો સહિતના આરોપોમાં દોષિત ઠર્યા હતા.
પ્રોસિક્યુશનના જણાવ્યા મુજબ, આરોપીઓએ ખાડિયાના હાજીરાણી પોળમાં બેઝબોલ બેટથી મહેતાને માર માર્યો હતો. ખાડિયામાં કુખ્યાત વ્યક્તિ મોન્ટુ નામદાર પર અગાઉ જુગારધામ ચલાવવાનો કેસ નોંધાયેલો હતો. આ કેસમાં ધરપકડ બાદ, તે પોલીસ કસ્ટડીમાંથી પણ ભાગી ગયો હતો અને 2024 માં જામીન પર બહાર આવ્યા બાદ છટકી ગયો હતો.
સજા સંભળાવતી વખતે, એડિશનલ સેશન્સ જજ બી. બી. જાદવે નોંધ્યું હતું કે જાહેર દૃષ્ટિએ હત્યા કરવી એ નાગરિકોમાં ભય ફેલાવનારો એક અત્યંત ગંભીર ગુનો છે. કોર્ટે મિલકતના વિવાદમાં થયેલી હત્યાને એક જઘન્ય અને શરમજનક કૃત્ય ગણાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા ગુનાઓને હળવાશથી લઈ શકાય નહીં કારણ કે તે જાહેર સલામતી અને સામાજિક વ્યવસ્થાને નબળી પાડે છે.



