ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર: ત્રણ દિવસના ટૂંકા સત્રમાં મહત્ત્વના વિધેયકો રજૂ થશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આઠથી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ સત્ર ત્રણ દિવસનું રહેશે, જેમાં સરકારી કામકાજ અને વિવિધ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું હતુ.
ઓનલાઈન અને પ્રત્યક્ષ રીતે પ્રશ્નો આપી શકશે
આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું છે, જે અંતર્ગત આગામી તા. ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસ ‘ચોમાસું સત્ર’ યોજાશે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી ૨૦ ઓગસ્ટ સુધી ધારાસભ્યયો પોતાના પ્રશ્નો ઓનલાઇન તેમ જ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.
જીએસટી, ફેક્ટરી એક્ટમાં સુધારા વિધેયકના વટ હુકમ રજૂ થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જી. એસ. ટી. સુધારા વિધેયક તેમ જ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટ હુકમ વિધાનસભામાં રજૂ થશે.
જો સરકાર પાસે અન્ય કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ રજૂ થતાં આગળ લેવામાં આવશે. આ ઉપરાંત તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ શનિવારના રોજ બોલાવવામાં આવેલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગમાં વિધાનસભા કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો…આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે