ચાંદખેડામાં વ્યાજખોરોનો આતંક: પૈસા ચૂકવ્યા પછી પણ ધમકી, ‘ઘર ખાલી કરો અથવા દીકરાને ગુમાવો’

અમદાવાદ: શહેરના ચાંદખેડામાં વ્યાજખોરોના આતંકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફરિયાદીએ જુદા જુદા 6 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે વ્યાજે લીધેલા પૈસા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો વધુ પૈસાની માંગણી તેમજ ઘર નહિ ખાલી કરે તો દીકરાને ઉપાડીને મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન આરોપીઓએ 12 જેટલા કોરા ચેક પર સહી કરી લીધી હતી અને સ્ટેમ્પ પર નોટરાઇઝ કરાવી લીધી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર,અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના મોટેરામાં રહેતા અને હિન્દી અને ગુજરાતી ગીત બનાવતા મીતેશભાઈ બારોટ છ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો અનુસાર 2016માં તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓ સંગીત સાથે સંકળાયેલા હોવાથી તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ ફાઇનાન્સનો ધંધો કરતાં હોવાનું જણાવ્યું હતું અને જરૂર હોય તો વ્યાજે પૈસા આપતા હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ ફરિયાદની યુટ્યુબ ચેનલમાં ખોટ જતાં તેમણે કરણ ઉર્ફે અનુજ ધીરજભાઈ દેસાઇ પાસેથી 5 લાખ રૂપિયા 10 દિવસના 10 ટકા વ્યાજ લેખે વ્યાજે લીધા હતા. અને આરોપીએ કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. જો કે બાદમાં ફરિયાદીએ પૈસા ચૂકવી દીધા હતા. તેના વ્યાજના પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં આરોપીએ ફરિયાદી પાસેથી ફોન પર 45 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ ના કહેતા આરોપીએ ધમકી આપી હતી. આ ઉપરાંત તેમણે અન્ય પાંચ જેટલા લોકો પાસેથી પણ વ્યાજે લીધા હતા.
આ દરમિયાન પણ વ્યાજખોરો પૈસાની માંગણી કરતા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે, ફરિયાદીએ જણાવ્યું છે કે આરોપીઓ તેમના પત્ની અને બહેનને ફોન કરીને ગાળો આપતા હતા તેમજ પૈસા ભરવા અથવા ઘર ખાલી કરી દેવાની ધમકી આપતા હતા. જો કે અંતે તેમના દીકરાને ઉપાડી જઈને મારી નાખવાની ધમકી આપી હતી. અંતે ફરિયાદીએ અનુજ ઉર્ફે કરણભાઈ દેસાઇ, વિશાલભાઈ દેસાઇ, જિગરભાઈ દેસાઇ, નિખિલભાઈ દેસાઇ, ઇશ્વરભાઇ દેસાઇ અને ભાવેશભાઈ દેસાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો…કડીમાં વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું; પોલીને મળી સ્યુસાઇડ નોટ