અમદાવાદ

અમદાવાદની આ કોલેજમાં પ્રોફેસરના ત્રાસના આક્ષેપ બાદ 10 PG વિદ્યાર્થીઓ સંપર્ક વિહોણા!

અમદાવાદઃ ચાંદખેડામાં આવેલી એમ.કે. શાહ મેડિકલ કોલેજ ચર્ચાના કેન્દ્રમાં આવી છે, કારણ કે કોલેજના ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે વિદ્યાર્થીઓએ પજવણીની ફરિયાદ કરતા તબીબી આલમમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની વિગત એવી છે કે, વિભાગના કુલ 12 પૈકી 10 અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓએ આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. તીર્થ પટેલ વિરુદ્ધ માનસિક ત્રાસ અને પજવણીની લેખિત ફરિયાદ એન્ટી-રેગિંગ કમિટીને ઈમેલ દ્વારા મોકલી છે. આ ગંભીર આક્ષેપોને પગલે કોલેજ વહીવટી તંત્ર દ્વારા ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસ નિષ્પક્ષ રીતે ચાલે તે માટે પ્રોફેસરને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.

રેસિડેન્ટ ડોક્ટરોએ કરેલી ફરિયાદ મુજબ, પ્રોફેસર દ્વારા તેમને અવારનવાર ધમકાવવામાં આવતા હતા, જાહેરમાં અપમાનિત કરવામાં આવતા અને રજાના દિવસોમાં પણ ફરજ પર બોલાવી હેરાન કરવામાં આવતા હતા. જોકે, આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ફરિયાદ કર્યા બાદ 26 જાન્યુઆરીથી આ તમામ 10 વિદ્યાર્થીઓ અચાનક ગુમ થઈ ગયા છે. તેઓએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા અને હોસ્પિટલની ફરજ પર આવવાનું પણ બંધ કરી દીધું હતું. વિદ્યાર્થીઓનો સંપર્ક ન થતાં અંતે કોલેજ સત્તાધીશોએ તેમના વાલીઓને આ બાબતે જાણ કરવાની ફરજ પડી હતી.

ચાંદખેડા એમ.કે. શાહ મેડિકલ કોલેજ

હાલમાં તપાસ સમિતિએ નર્સિંગ સ્ટાફ, દર્દીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે. ગુમ થયેલા વિદ્યાર્થીઓએ લાંબા સમય બાદ ઈમેલ દ્વારા પ્રત્યુત્તર આપતા જણાવ્યું છે કે તેઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત હોવાથી સામે આવ્યા નહોતા. હવે આ વિદ્યાર્થીઓ સોમવારે તપાસ સમિતિ સમક્ષ હાજર થઈને પોતાના લેખિત નિવેદનો નોંધાવે તેવી શક્યતા છે. સમિતિના અહેવાલ બાદ જ આ મામલે સત્ય બહાર આવશે. કોલેજના ડીન ટી. એન. લેઉવાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ કોલેજે આવી રહ્યા નથી, આથી તેમના માતાપિતાને જાણ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ હાજર રહીને વાત કરશે તો તપાસ સમિતિ જરૂર સકારાત્મક પગલા લેશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button