અમદાવાદ

તથ્ય પટેલના હત્યાકાંડનો ભોગ બનેલા મિઝાનને ઉઠવા-બેસવાની તકલીફ છતાં કોર્ટમાં આપી જુબાની

અમદાવાદઃ તથ્ય પટેલ કેસના સાક્ષી મિઝાનને ઉઠવા બેસવાની તકલીફ હોવા છતાં કોર્ટમાં જુબાની આપી હતી. સાક્ષીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, તથ્યની ગાડી એટલી બધી ઓવર સ્પીડમાં હતી કે, અકસ્માત બાદ ગાડીના બોનેટ પર અને આસપાસ લોકોના મૃતદેહના ખડકલા થઇ હતા. જો હું ગાડીના પાછળના ટાયરે ન ફસાયો હોત તો હજુ વધુ લોકોના મોત થઇ ગયા હોત એવો ચોંકાવનારો ઘટસ્ફોટ આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજા પામનાર સાક્ષી મિઝાન ભાડભૂજાએ કર્યો હતો. આ મામલે આગામી દિવસોમાં વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.

સાક્ષીએ શું કહ્યું ?

ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલએ સર્જેલા અકસ્માતમાં ઇજા પામનાર સાક્ષી મિઝાન અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ હાજર રહ્યો હતો. મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ તેની જુબાની લીધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે રાત્રે ત્યાં થાર ગાડીનો અકસ્માત થયો હતો. ત્યારે મારા સહિતના મિત્રો અને લોકો અમે અકસ્માત જોવા માટે પહોંચ્યા હતા, ત્યારે 12 વાગ્યાની આસપાસ એક સફેદ કલરની જેગુઆર કાર બેફામ અને પૂરપાટ ઝડપે આવી હતી. બેકાબૂ અને જબરદસ્ત ઓવરસ્પીડમાં આવેલી ગાડીએ પળવારમાં લોકોને કચડી નાંખ્યા હતા. ગાડી મારા પર પણ ફરી વળી હતી અને હું આગળના ટાયર પર કચડાયા બાદ પાછળના ટાયરમાં ફ્‌સાઇ ગયો હતો.

ત્યારે મેં બચવા માટે બૂમાબૂમ કરતા મારા મિત્ર ત્યાં આવ્યા હતા. અકસ્માત સમયે બહુ લોકોને ત્યાં આસપાસ પડેલા મેં જોયા હતા. ત્યારે જેગુઆર ગાડીમાંથી ત્રણ-ચાર લોકો ઉતર્યા હતા. ત્યારે ગાડી તથ્ય પટેલ ચલાવતો હોવાની મને જાણ થઇ હતી. તથ્યને લોકોએ ઝડપી લીધો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, મારા પિતા આવે છે, આ સમયે બહુ લોકો નીચે આમ તેમ મૃત હાલતમાં પડેલા હતા.

પછી મને સોલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યાં મારા પરિવારના સભ્યો આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. મને ડાબા પગમાં ત્રણ સર્જરી અને જમણા પગમાં એક સર્જરી કરવામાં આવી હતી. હજુ એક સર્જરી કરવી પડે તેમ છે. ઇજાગ્રસ્ત થયા બાદ હજુ પણ બેસવા ઉઠવામાં તકલીફ પડી રહી હોવાનો ખુલાસો મિઝાને કર્યો હતો.

સાક્ષીની જુબાની દરમ્યાન કેટલાક મહત્ત્વના સવાલો ચર્ચાનો વિષય બન્યા

તથ્ય પટેલના કેસમાં આજે ત્રીજા સાક્ષીની જુબાની લેવામાં આવી હતી.જેમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જેમાં સાક્ષી મિઝાન ઇરફાન ભાડભૂજાએ જુબાની દરમ્યાન કહ્યું હતું કે ઘટના સમયે તથ્ય પટેલ હાજર હતો અને તેના પિતા પણ ત્યાં આવી ગયા હતા. પોલીસે તથ્યને ઝડપી લીધો હતો. ત્યારે હવે સવાલ એ થાય છે કે, ઘટનાના દિવસે રાત્રે પોલીસે તથ્ય પટેલને પકડી લીધો હતો તો પ્રજ્ઞેશ પટેલ કેવી રીતે તથ્ય પટેલને લઇ હોસ્પિટલ પહોંચી ગયો. પોલીસે જ તથ્ય પટેલને કેમ જવા દીધો તેવા ઘણા મુદ્દા જુબાની દરમ્યાન ચર્ચાનો વિષય બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, 108 પણ ગણતરીની મિનિટોમાં આવતી હોય છે ત્યારે તે દિવસે 108 પણ ઘટનાના અડધો કલાક બાદ આવી હોવાનું સાક્ષીએ જુબાનીમાં જણાવ્યુ હતુ.

સાક્ષીએ ભરચક કોર્ટમાં તથ્યને ઓળખી બતાવ્યો

મહત્ત્વના સાક્ષી મિઝાન ભાડભૂજાની જુબાની ચાલતી હતી તે વખતે ફરિયાદ પક્ષે તથ્ય પટેલને ઓળખો છો તેવો સવાલ સાક્ષીને કર્યો હતો. ત્યારે તેણે હા પાડી હતી. પછી કોર્ટે પૃચ્છા કરી હતી કે, આ કોર્ટમાં તથ્ય પટેલ હાજર છે. ત્યારે સાક્ષીએ આમ તેમ જોયું હતુ અને ત્યારબાદ જેલમાંથી વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી હાજર રહેલ તથ્ય પટેલને સાક્ષીએ ઓળખી બતાવી જણાવ્યું હતું કે, માથે ટોપી પહેરી છે અને બ્લૂ શર્ટ વાળો તથ્ય પટેલ છે.

ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલને માનવવધની કલમથી મુક્તિ આપવાનો હાઈ કોર્ટે ઈનકાર કર્યા બાદ મુંબઈ સમાચારે તાજેતરમાં જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાં આજે શું સ્થિતિ છે તે અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.

શું છે મામલો ?
19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તે હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યએ 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી.

2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 હતી. 8 વ્યક્તિનાં નિવેદન લેવાયાં હતા, જેમાં 05 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા. અકસ્માતમાં 12 વ્યક્તિ ઘાયલ થયા હતા. કુલ 25 વ્યક્તિનાં પંચનામાં કરાયાં હતા. 8 વ્યક્તિનાં સારવાર સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. તેમજ FSLના 15 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા.

આપણ વાંચો:  કોમનવેલ્થ બાદ ઓલિમ્પિક પણ યોજાઈ શકે છે ગુજરાતમાં, સ્વિત્ઝર્લેન્ડમાં રાજ્ય સરકાર ખોલશે ઓફિસ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button