ભારતના 'માન્ચેસ્ટર' ગણાતા અમદાવાદની એકમાત્ર મિલ બનશે 'ભૂતકાળ', છેલ્લી મિલ પર લાગશે પાટિયા | મુંબઈ સમાચાર

ભારતના ‘માન્ચેસ્ટર’ ગણાતા અમદાવાદની એકમાત્ર મિલ બનશે ‘ભૂતકાળ’, છેલ્લી મિલ પર લાગશે પાટિયા

મિલના કામદારોને આઠ મહિનાથી પગાર પણ મળ્યો નથી

અમદાવાદઃ એક સમયે અમદાવાદની ઓળખ માન્ચેસ્ટર તરીકેની હતી, પરંતુ ધીમે ધીમે મિલો બંધ થવા લાગી. મિલો બંધ થતાં લોકો અન્ય ધંધા-રોજગાર તરફ વળ્યા હતા. હાલ અમદાવાદમાં માત્ર એક જ કાર્યરત મિલ છે. નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છેલ્લી કાર્યરત મિલ બંધ થવા જઈ રહી છે.

શહેરના અસારવા વિસ્તારમાં આવેલી રાજનગર મિલને બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિલ બંધ થતાં જ અમદાવાદમાં મિલો ભૂતકાળ બની જશે. આ અંગે કામદારોને જણાવવામાં કે આગામી ત્રણથી ચાર મહિનામાં મિલને ઔપચારિક રીતે બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

આપણ વાંચો: ખાંડમાં મિલો પાછળ નાકા ડિલિવરી ધોરણે વધુ ₹ ૧૦ ઘટ્યા

કારિગરોએ કર્યું વિરોધ પ્રદર્શન

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજનગર મિલના કામદારોને આઠ મહિનાથી પગાર કે પગાર સ્લિપ મળી નથી. હતાશ થઈને તેમણે મિલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમની ફરિયાદો સાથે મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો. જ્યારે તેમણે પગારની માંગ કરી ત્યારે તેમને મિલના આસન્ન બંધ થવા વિશે જાણ થઈ હતી.

કામદારોએ કરી અનેક ફરિયાદો

કામદારોએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે અમે અસારવામાં મિલ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમે અમારા ઈએસઆઈ અને બાકી પગાર માંગ્યો હતો. ઈએસઆઈ કવરેજ વિના, અમે બીમાર પડીએ ત્યારે હોસ્પિટલોમાં સારવાર મેળવી શકતા નથી. પગાર સ્લિપ વિના, અમને બીજે ક્યાંય નોકરી મળશે નહીં.

આપણ વાંચો: આ કારણે મહારાષ્ટ્રની સુગર મિલોએ બંધ કર્યું પ્રોડક્શન

મિલ બંધ થતા કામદારોની ચૂકવણી નિયમિત નહીં

રાજનગર મિલ 400થી વધુ કામદારો અને સ્ટાફને નોકરીઓ પૂરી પાડી હતી. માર્ચ 2020માં કોવિડ લોકડાઉનને કારણે દેશભરમાં 23 એનટીસી મિલો બંધ થઈ ગઈ હતી. ત્યારથી, કામદારોની ચૂકવણી અનિયમિત બની ગઈ છે. કામદારોના જણાવ્યા અનુસાર, છેલ્લા આઠ મહિનાથી તેમને અડધો પગાર પણ ચૂકવાયો નથી.

ભારતમાં 23 એનટીસી ટેક્સટાઇલ મિલ બંધ થઈ

તાજેતરમાં કેન્દ્રીય કાપડ પ્રધાન ગિરિરાજ સિંહે લોકસભામાં સ્વીકાર્યું હતું કે નાણાકીય મુશ્કેલીઓને કારણે ભારતમાં 23 એનટીસી ટેક્સટાઇલ મિલો બંધ થઈ ગઈ છે. આ બંધને કારણે રાજનગર મિલના 442 સહિત દેશભરમાં 7,391 કામદાર પ્રભાવિત થયા છે. ગુજરાત સહિત દેશભરના કામદાર સંગઠનો પાસેથી ફરિયાદો મળ્યાની પુષ્ટિ કરી હતી.

એનટીસી મેનેજમેન્ટ ભંડોળ એકત્ર કરવા સક્રિય

એનટીસી મેનેજમેન્ટ ભંડોળ એકત્ર કરવા માટે કામ કરી રહ્યું છે. એકવાર ભંડોળ એકત્ર થશે પછી કામદારોના બાકી લેણાં ચૂકવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એનટીસી તમિલનાડુમાં સાત, કેરળમાં ચાર, મહારાષ્ટ્રમાં પાંચ, મધ્ય પ્રદેશમાં બે, અને પોંડિચેરી, કોલકાતા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં એક-એક મિલનું સંચાલન કરે છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button