
અમદાવાદઃ રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહીએ ખેલૈયાની ચિંતામાં વધારો કર્યો છે. 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાયના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમા ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને પણ સતર્ક કરવામાં આવ્યું છે. ગાજવીજ સાથેના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે, જેને લઈને નાગરિકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. આજે અમદાવાદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આવતીકાલે 28 તારીખે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29 સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વાપીમાં 0.39 ઇંચ, કલ્યાણપુરમાં 0.39 ઇંચ, ડાંગ-આહવામાં 0.16 ઇંચ, તાલાલામાં 0.16 ઇંચ, ગોંડલમાં 0.08 ઇંચ, ઉમરગાવમાં 0.04 ઇંચ, જલાલપોર 0.04 ઇંચ, સુબીરમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં સિઝનમાં સરેરાશ 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં કચ્છ ઝોનમાં સરેરાશ 136 ટકા, ઉત્તર ગુજરાતમાં 119 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકા, સૌરાષ્ટ્રમાં 96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 117 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.