
અમદાવાદ/સુરતઃ મર્સિડીઝ કારના ડીલરોને જૂની કારો નવા મોડલના નામે પધરાવી દેવાનું મોંઘું પડ્યું હતું. ગ્રાહક કમિશને ડીલરોને 3 લાખનો દં ફટકાર્યો હતો. ડીલરો પર વાહનનું મેન્યુફેકચરિંગ વર્ષ છુપાવ્યું હોવાનો અને જૂની કારને નવા મોડલ તરીકે દર્શાવી ગ્રાહકને છેતર્યા હોવાનો આઆરોપ હતો.
શું છે મામલો
કેસની વિગતો મુજબ, સુરતના એક વ્યક્તિએ ઓક્ટોબર 2015માં સુરત સ્થિત ‘લેન્ડમાર્ક કાર પ્રાઇવેટ લિમિટેડ’ પાસેથી મર્સિડીઝ-બેન્ઝ C-ક્લાસ (C 220 CDI) ખરીદી હતી. તેમણે વાહન માટે ₹41.51 લાખ અને સુરત આરટીઓ (RTO) માં ₹75,655 ચૂકવ્યા હતા. જોકે, કારની ડિલિવરી લીધા પછી તેમને જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC બુક) માં કારનું મેન્યુફેક્ચરિંગ વર્ષ ડિસેમ્બર 2014 દર્શાવવામાં આવ્યું હતું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે ડીલરે આ મોડલ 2014નું હોવાની જાણ કર્યા વગર તેમને ખરીદવા માટે મનાવી લીધા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ માહિતી છુપાવવાને કારણે કારની રિસેલ વેલ્યુ પર માઠી અસર પડી હતી.
તેમણે 2016માં ડીલરો અને ઉત્પાદક કંપનીને કાનૂની નોટિસ પાઠવી હતી અને બાદમાં ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશનનો સંપર્ક કર્યો હતો. તેમણે મૂલ્યમાં ઘટાડા બદલ ₹12 લાખ અને માનસિક ત્રાસ માટે ₹7.50 લાખના વળતરની માંગણી કરી હતી.
મર્સિડીઝે રજૂઆત કરી હતી કે વેચાણના વ્યવહારો માટે ડીલરો સંપૂર્ણપણે અને સ્વતંત્ર રીતે જવાબદાર હોય છે. કારમાં કોઈ ઉત્પાદન ખામી ન હોવાથી કંપનીને જવાબદાર ગણી શકાય નહીં. જે બાદ ડીલરોએ ફરિયાદનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે ગ્રાહકે ડિસ્કાઉન્ટ મળ્યા બાદ જાણી જોઈને ડિસેમ્બર 2014ના મોડલની પસંદગી કરી હતી.
બંને પક્ષોને સાંભળ્યા બાદ, કમિશને તેના આદેશમાં જણાવ્યું હતું કે, આ કમિશન એવા નિષ્કર્ષ પર આવ્યું છે કે અમદાવાદ અને સુરતના ડીલરો ખોટી રજૂઆત અને અયોગ્ય વ્યાપારી પ્રથા માટે દોષિત છે. માત્ર તેઓ જ ફરિયાદીને વળતર આપવા માટે જવાબદાર છે. મેન્યુફેક્ચરર જવાબદાર નથી, કે તેમની તરફથી કોઈ બેદરકારી સાબિત થઈ નથી. કમિશને ડીલરોને ₹3,00,000 વળતર પેટે, ₹25,000 માનસિક ત્રાસ અને હેરાનગતિ બદલ અને ₹10,000: કાનૂની ખર્ચ પેટે ચૂકવવા આદેશ આપ્યો હતો.



