IIM અમદાવાદની હોસ્ટેલમાં MBA વિદ્યાર્થીનો આપઘાત

અમદાવાદ: IIM અમદાવાદ ખાતે અભ્યાસ કરનાર એક MBA વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. IIM અમદાવાદમાં રહીને એમબીએનો અભ્યાસ કરનાર મૂળ તેલંગાણાના એક વિદ્યાર્થીએ નવા બિલ્ડિંગમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાંની સાથે જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ માર્ટમ રિપોર્ટ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. સ્થાનિક પોલીસ અને આઈઆઈએમના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
હાલ પ્રાપ્ત વિગતો અનુસાર IIM અમદાવાદ કેમ્પસમાં બપોરના સમયે અક્ષિત નામના વિદ્યાર્થીએ આપાઘાત કરી લીધો હતો. અમુક વિદ્યાર્થીઓએ અક્ષિતને જોઈ જતા બૂમૉ પાડી હતી અને આથી બધા વિદ્યાર્થીઓ હોસ્ટેલ તરફ દોડી ગયા હતા. ત્યારબાદ ઘટનાની જાણ હોસ્ટેલના રેક્ટર અને IIM અમદાવાદના સંચાલકોને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.
હાલ મળી રહેલી વિગતો અનુસાર આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ અક્ષિત હેમંત ભૂખિયા હોવાનું જાણવા મળ્યું છે. જે તેલંગણાનો રહેવાસી છે અને ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. હાલ તે IIM અમદાવાદમાં MBAનો અભ્યાસ કરતો હતો. જો કે આ વિદ્યાર્થીએ કેમ આત્મહત્યા કરી લીધી તે બધાની માટે ચોંકાવનારી બાબત છે. હાલ આપઘાત પાછળનું કારણ અકબંધ છે.