અમદાવાદ મનપાના ઇજનેર વિભાગમાં ભરતી કૌભાંડ મામલે મેયરનું આકરૂ વલણ: કસૂરવારો સામે કાર્યવાહીની માંગ
અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં 93 સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં થયેલા કૌભાંડ મામલે રાજકારણ ગરમાતા ભાજપના સત્તાધીશો ખૂબ ગંભીરતા દાખવી રહ્યા છે. સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતીમાં ત્રણ ઉમેદવારોના માર્કસ વધારીને ગેરકાયદેસર રીતે નોકરી આપવાના કૌભાંડ મામલે અમદાવાદના મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસનને બે પત્ર લખીને ભરતી પ્રક્રિયામાં નિષ્પક્ષ તપાસ કરીને કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી.
મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ઉચ્ચ અધિકારીઓની પણ આ મામલે તપાસ કરવાની માગ કરી હતી. ભરતી મામલે ઉચ્ચ અધિકારીઓએ વેરિફિકેશન કરેલું નથી, જેથી તેઓની બેદરકારી જણાતી હોવાથી ભરતી પ્રક્રિયામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓની તપાસ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
આ પણ વાંચો: બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતાં કયા ધારાસભ્યએ ઉઠાવ્યો મુદ્દો? કાંકરેજ-દિયોદરમાં પણ વિરોધના સૂર
મેયરે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ઈજનેર વિભાગના ટેકનીકલ સુપરવાઈઝરની 93 જગ્યા માટેની ભરતી પ્રક્રીયામાં ત્રણ ઉમેદવારોએ એએમસી સેન્ટ્રલ ઓફિસ વિભાગના હેડ કલાર્ક પુલકીત સથવારાના મેળાપીપણામાં ગેરરીતિ આચરીને નિમણૂક મેળવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલો સામે આવતા હેડ ક્લાર્ક પુલકિત સથવારાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મેયર પ્રતિભા જૈને તેમના પત્રમાં લખ્યું હતું કે, ભરતી કૌભાંડ મામલે સ્પષ્ટ જણાઈ આવે છે કે, ઉપરની કેડરમાં ફરજ બજાવતા અધિકારીઓએ પુરતુ ક્રોસ ચેકિંગ કર્યું હોય તેવુ જણાતું નથી. અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની કામગીરી પ્રત્યે બેદરકારી દાખવી છે. જેથી ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ- કર્મચારીઓની કામગીરી બાબતે જવાબદારી નક્કી કરવામાં આવે તેમજ ખાતાકીય તપાસ કરવી અને કામગીરીમાં બેદરકારી દાખવનાર સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરજો.