અમદાવાદમાં મે 2025માં ગરમ દિવસોની ઘટી સંખ્યા, માત્ર આટલા દિવસ જ લોકો શેકાયા ગરમીમાં...
અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદમાં મે 2025માં ગરમ દિવસોની ઘટી સંખ્યા, માત્ર આટલા દિવસ જ લોકો શેકાયા ગરમીમાં…

અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલ-મે મહિનામાં અંગ દઝાડતી ગરમી પડે છે. મે મહિનાની ગરમી અકળાવનારી હોય છે અને આ મહિનામાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે મે 2025માં માત્ર સાત દિવસ જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર થયું હતું. મે 2024 શહેરનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો હતો. ભારતીય હવામાન વિભાગના ડેટા મુજબ, 2024ના મે મહિનામાં 21 દિવસ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર થયું હતું.

મે 2024માં શું હતી સ્થિતિ
મે 2025માં 1 મેના રોજ શહેરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. આ દિવસે શહેરમાં 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મે મહિનામાં શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી અને સરેરાશ લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી નોંધાયું હતું. મે 2024માં 21 દિવસ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું. જેમાં ઇતિહાસના બે સૌથી ગરમ દિવસો — 23 મેના રોજ 46.6 ડિગ્રી અને 26 મેના રોજ 45.9 ડિગ્રી સામેલ હતા.

મે મહિનામાં રાજ્યના આ ત્રણ શહેરોમાં જ નોંધાયું ઊંચું તાપમાન
મે 2025 માટે શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનના વિશ્લેષણ પ્રમાણે, સરેરાશ મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 1991-2020 વચ્ચેના સરેરાશ મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસની સરખામણીમાં ઘણું ઓછું છે. વિશ્લેષણ મુજબ, એકંદરે, મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.3 ડિગ્રી ઓછું રહ્યું. બીજી તરફ, સરેરાશ લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી સામાન્યની નજીક હતું. સમગ્ર ગુજરાતમાં માત્ર ત્રણ શહેરો રાજકોટ, સુરેન્દ્રનગર અને કંડલામાં સતત ઊંચું તાપમાન નોંધાયું હતું, જ્યારે અન્ય શહેરો અને નગરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું હતું.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ અને સમગ્ર ગુજરાત માટે મે મહિનો ઉનાળાનો સૌથી ગરમ મહિના પૈકીનો એક હોય છે. આ વર્ષે ગુજરાતમાં મે મહિનામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે સરેરાશથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થયો હતો. જ્યારે પણ વાદળછાયું વાતાવરણ હોય છે, ત્યારે મહત્તમ તાપમાન ઘટે છે અને લઘુત્તમ તાપમાન વધે છે અથવા તેટલું જ રહે છે. આ વર્ષે આવી જ પેટર્ન જોવા મળી હતી.

Back to top button