માતાના મઢને મળ્યો આધુનિક ઓપ: PM મોદી ૨૬ મેના રોજ ₹૩૨.૭૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

અમદાવાદ: ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર અને કચ્છના દેશ દેવીના સ્થાન માતાના મઢ – આશાપુરા ધામને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ભુજ ખાતેથી 32.71 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ અંતર્ગત થયેલ વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ કરશે.

આશાપુરા ધામમાં નવીન સવલતો
વડાપ્રધાન મોદી 26અને 27 મેના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ભુજ ખાતે 53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે, જેમાં માતાના મઢના વિકાસકાર્યોનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છના લખપત તાલુકામાં આવેલા સમસ્ત આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ અને પુનર્વિકાસ માટે ₹32.71કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો, જે હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે.
રાજ્ય સરકાર રાજ્યભરના યાત્રાધામોને ધાર્મિક પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી રહી છે. આ જ કડીમાં માતાના મઢ ખાતેના આશાપુરા મંદિર અને આસપાસના સ્થળોનો પણ વિકાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ વિકાસકાર્યો પૂર્ણ થતા હવે માતાના મઢ – આશાપુરા માતાનું ધામ સુવિધાઓથી શોભાયમાન થયું છે.
આપણ વાંચો: સુરતમાં ફરી વિચિત્ર કિસ્સો: 17 વર્ષના કિશોરને ભગાડી જનારી યુવતી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ
યાત્રાળુઓ માટે સુવિધાઓ
માસ્ટર પ્લાન હેઠળ શ્રી આશાપુરા માતાજી મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે વ્યાપક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના કાર્યોનો સમાવેશ થાય છે:
ખાટલા ભવાની મંદિર: પર્વતની ટોચ પર આવેલા આ મંદિર સુધી પહોંચવા માટે પગથિયાં (ધાબા સાથે) અને વાહન જઈ શકે તેવા રસ્તાનું રિનોવેશન કરવામાં આવ્યું છે. પર્વત પર યાત્રિકો માટે વોક-વે, બાળ ક્રીડાંગણ, ગઝેબોનું રિપેરિંગ, રેમ્પ-એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લોક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
ચાચરા કુંડ: બારેમાસ પાણીથી ભરેલા આ પૌરાણિક કુંડનો અદ્યતન લાઈટિંગ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. કુંડ પરિસરમાં વોક-વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા, તેમજ પ્રવાસીઓ માટે કિચન-ડાઇનિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લોક અને મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું રિપેરિંગ પણ પૂર્ણ થયું છે.
રૂપરાય તળાવ: તળાવનું સૌંદર્યીકરણ કરવામાં આવ્યું
અન્ય સુવિધાઓ: એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ, પીવાના પાણીની સુવિધા, પ્રસાધન, બેઠક વ્યવસ્થા અને પ્લાન્ટેશનના કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ વિકાસકાર્યોથી નવરાત્રી સહિતના તહેવારોમાં મોટી સંખ્યામાં આવતા ભક્તોને વધુ સારી સવલતો મળશે અને તેમની યાત્રા વધુ સુખદ બનશે.