ગુજરાતમાં 892 કરોડના તોતિંગ સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં 892 કરોડના તોતિંગ સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ

અમદાવાદ: ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે વિવિધ પ્રકારની ઠગાઈ આચરવાના ગુનામાં ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ ટોળકીએ કુલ ₹892 કરોડની માતબર રકમની છેતરપિંડી કરી હતી, જેના માટે ૪૮૨ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ રેકેટ ૧,૫૩૨થી વધુ કેસો સાથે સંબંધ ધરાવે છે અને તેણે આશરે ₹892 કરોડની માતબર રકમની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આ કૌભાંડ ગુજરાતના ઇતિહાસમાં “સૌથી મોટું ફ્રોડ ડિટેક્શન” હોઈ શકે છે.

રાજ્ય સાયબર સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તપાસકર્તાઓ સુરત અને અન્ય જિલ્લાઓમાં નોંધાયેલી સાયબર ફ્રોડની અનેક ફરિયાદોની તપાસ કરી રહ્યા હતા. કેસોનું વિશ્લેષણ કરતાં અધિકારીઓએ સામાન્ય મોડસ ઓપરેન્ડી નોંધી અને વધુ વિગતો મેળવવા માટે ભોગ બનનારા લોકો સાથે વાતચીત કરી હતી. થોડા અઠવાડિયા પહેલા આ કૌભાંડના સંબંધમાં સુરતમાંથી ચાર યુવકો ઝડપાયા હતા. તેમની પૂછપરછથી મહત્ત્વપૂર્ણ કડીઓ મળી હતી, જેના પરિણામે શહેરમાંથી વધુ છ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ટોળકી વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર દેશભરમાંથી ૧૫૪૯ ફરિયાદો નોંધાઈ હતી, જેના આધારે ૨૨ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એકલા ગુજરાતમાં જ ૧૯૩૦ પોર્ટલ પર ૧૪૧ ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી અમદાવાદ (૨) અને મોરબી (૧)માં ૩ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં આ કૌભાંડોને કારણે અંદાજે ₹૧૭.૭૫ કરોડનું નુકસાન થયું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ અનેક પ્રકારના ઓનલાઈન ફ્રોડમાં સામેલ હતા. જેમાં લોકોને ડરાવીને કે ધમકાવીને ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે પૈસા પડાવતા હતા. શેરમાં મોટો નફો અપાવવાના નામે છેતરપિંડી કરતા હતા ટ ઉપરાંત યુપીઆઈ ફ્રોડ, બેંકમાં પૈસા જમા કરાવવા, લોન અપાવવા અને પાર્ટ ટાઇમ નોકરીના નામે પણ લોકોને શિકાર બનાવતા હતા.

સાયબર ક્રાઈમ પોલીસે આરોપીઓ પાસેથી વાંધાજનક સામાનનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં ૫૨૯ બેંક એકાઉન્ટ કિટ, ૪૪૭ એટીએમ કાર્ડ, ૬૮૬ સિમ કાર્ડ, ૬૦ મોબાઇલ ફોન, ૧૬ પીઓએસ મશીનો, ૧૧ સાઉન્ડ બોક્સ, ૧૭ કયુઆર કોડ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામેલ છે.

આ પણ વાંચો…નોકરી ઇચ્છુકોને છેતરીને તેમનાં બૅન્ક ખાતાંનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરનારા પકડાયા…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button