અમદાવાદની કેટલી સ્કૂલો UPIથી પેમેન્ટ સ્વીકારે છે? DEOની તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદઃ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા સરકાર સતત પગલાં લઈ રહી છે. જોકે તેમ છતાં કેટલાક લોકો છેતરપિંડીની આશંકાએ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવતા નથી. અમદાવાદમાં કેટલાક સ્કૂલ સંચાલકો ડિજિટલ પેમેન્ટના બદલે ચેક, કેશથી ટ્રાન્ઝેક્શનનો આગ્રહ રાખી રહ્યા છે.
ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર (DEO) એ તાજેતરમાં કેટલી શાળાઓ UPI નો ઉપયોગ કરી રહી છે તે તપાસ્યું ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી. ગુજરાત બોર્ડની એક પણ શાળાએ તેઓ આ સુવિધા આપે છે તેમ જણાવ્યું નહોતું. સમગ્ર શહેરમાં માત્ર અમુક જ સ્કૂલોએ UPI દ્વારા ફીની ચૂકવણી સ્વીકારતી હોવાનું જણાવ્યું હતું.
લોકસભામાં સવાલ પૂછવામાં આવ્યા બાદ, સિટી DEO આર.એમ. ચૌધરીએ UPI ના ઉપયોગની વિગતો માટે શાળાઓનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે શાળાઓ કેવી રીતે ફી વસૂલે છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મુખ્યત્વે સ્કૂલો હજી પણ કેટલી રોકડ સ્વીકારે છે તે ચકાસી રહ્યા છીએ. ગુજરાત બોર્ડની શાળાઓને કરેલા અમારા પરિપત્રમાં, એક પણ શાળાએ ફીની ચૂકવણી માટે UPI નો ઉપયોગ કરવાની વિગતો જણાવી નથી.
સૂત્રોએ જણાવ્યું કે, સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ UPI નો ઉપયોગ કરતી નથી. ડિજિટલ નિરક્ષરતા મુખ્ય મુદ્દો લાગે છે. ડિજિટલ પેમેન્ટ્સને લગતી છેતરપિંડીઓ એટલી સામાન્ય બની ગઈ છે કે શાળા સંચાલન અને વાલીઓ બંને UPI દ્વારા પૈસા ગુમાવવાની ચિંતા કરે છે. ચેક પેમેન્ટ્સ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ના મુખ્યાલયે પણ તાજેતરમાં જ UPI પેમેન્ટની સુવિધા શરૂ કરી છે.
આપણ વાંચો: ભ્રષ્ટાચારના ગ્રહણે લાલુના ‘ફાનસ’ને ઝાંખું પાડી દીધું



