
અમદાવાદ: આજથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ (Congress Convention in Gujarat) થઇ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. 64 વર્ષ પછી કોંગ્રેસના અધિવેશનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રસના દિગ્ગજ નેતા અમદવાદ પહોંચ્યા છે.
અધિવેશનની શરૂઆતમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધન આપ્યું હતું. તેમને કહ્યુંકે આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની શતાબ્દી છે. ડિસેમ્બર 1924માં, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમના ગૃહ રાજ્ય કર્ણાટકમાં બેલાગવી કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. 26 ડિસેમ્બરે કર્ણાટકમાં આ શતાબ્દી ઉજવી.
‘ગુજરાત મહાપુરુષોની ધરતી’
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કહ્યું, “ ગુજરાતની ધરતી પર જન્મેલા ત્રણ મહાનુભાવોએ કોંગ્રેસનું નામ વિશ્વભરમાં જાણીતું કર્યું, દાદાભાઈ નૌરોજી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ- આપણી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતાં. ગાંધીજીએ આપણને અન્યાય સામે સત્ય અને અહિંસાનું શસ્ત્ર આપ્યું. આ એટલું મજબૂત વૈચારિક શસ્ત્ર છે કે કોઈ પણ શક્તિ તેની સામે ટકી શકતી નથી.”
તેમણે કહ્યું, “સરદાર સાહેબના નેતૃત્વ હેઠળ કરાચી કોંગ્રેસમાં પસાર થયેલા મૂળભૂત અધિકારો અંગેના ઠરાવો ભારતીય બંધારણનો આત્મા છે. સરદાર પટેલ બંધારણ સભાની મહત્વપૂર્ણ ‘લઘુમતી અને આદિવાસી અને બાકાત વિસ્તારો માટેના મૂળભૂત અધિકારો અંગેની સલાહકાર સમિતિ’ના અધ્યક્ષ હતા.
મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનું ષડ્યંત્ર:
મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ આરોપ લગાવતા કહ્યું, “મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી, ઘણા રાષ્ટ્રીય નાયકો અંગે એક સુનિયોજિત ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે. આજે, સાંપ્રદાયિક વિભાજન કરીને દેશને મૂળભૂત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ, ઓલિગાર્કિક મોનોપોલી દેશના સંસાધનો પર નિયંત્રણ મેળવીને શાસનને નિયંત્રિત કરવાના પ્રયત્ન કરી રહી છે.”
સરદાર અને નહેરૂ એક સિક્કાની બે બાજુ:
ખડગેએ સરદાર અને નહેરૂના સંબંધ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “તેઓ સરદાર પટેલ અને પંડિત નેહરુ વચ્ચેના સંબંધોને એવી રીતે દર્શાવવાનું કાવતરું ઘડે છે કે જાણે બંને નાયકો એકબીજાની વિરુદ્ધ હોય. જ્યારે સત્ય એ છે કે તેઓ એક જ સિક્કાની બે બાજુઓ હતા. ઘણી ઘટનાઓ અને દસ્તાવેજો તેમના સૌહાર્દપૂર્ણ સંબંધોના સાક્ષી છે. આ બાબતો જાહેર રેકોર્ડમાં નોંધાયેલી છે. બંને વચ્ચે લગભગ રોજ પત્રવ્યવહાર થતો હતો. નહેરુજી બધા વિષયો પર તેમની સલાહ લેતા હતા.
સરદાર RSSના વિરોધમાં હતાં:
ખડગેએ RSS પર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું, “મિત્રો, સરદાર પટેલની વિચારધારા RSS ના વિચારોથી વિપરીત હતી. તેમણે RSS પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ આજે તે સંગઠનના લોકો સરદાર પટેલના વારસાનો દાવો કરે છે, તે હાસ્યાસ્પદ છે.”
RSSએ બંધારણનો વિરોધ કર્યો હતો.
ખડગેએ બંધારણ પર RSSના વલણ અંગે કહ્યું, “બાબા સાહેબ ડૉ. આંબેડકરને બંધારણ સભાના સભ્ય બનાવવામાં ગાંધીજી અને સરદાર પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડૉ. આંબેડકરે પોતે 25 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં પોતાના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના સહયોગ વિના બંધારણ બની શક્યું ન હોત. પરંતુ જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે RSS એ ગાંધીજી, પંડિત નેહરુ, ડૉ. આંબેડકર અને કોંગ્રેસની ખૂબ ટીકા કરી. રામલીલા મેદાનમાં બંધારણ અને આ નેતાઓના પૂતળાઓનું દહન કરવામાં આવ્યું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંધારણ મનુવાદી આદર્શોથી પ્રેરિત નથી.”
મોદી સરકારે ગાંધીજી અને બાબા સાહેબનું અપમાન કર્યું:
ખડગે એ કેન્દ્ર સરકાર પર ગાંધીજી અને બાબા સાહેબના અપમાનનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “મોદી સરકારે સંસદ પરિસરમાંથી ગાંધીજી અને બાબા સાહેબની પ્રતિમાઓ હટાવીને અને તેમને એક ખૂણામાં મૂકીને તેમનું અપમાન કર્યું. ગૃહ પ્રધાને રાજ્યસભામાં બાબા સાહેબની મજાક ઉડાવી હતી.”
તેમણે વધુમાં કહ્યું, “આજે ભાજપ અને સંઘ પરિવારના લોકો ગાંધીજી સાથે સંકળાયેલી સંસ્થાઓ પર કબજો કરી રહ્યા છે અને તેમને તેમના વૈચારિક વિરોધીઓને સોંપી રહ્યા છે. તેઓએ વારાણસીમાં સર્વ સેવા સંઘનો પણ કબજો લઈ લીધો છે. તમે બધા જાણો છો કે ગુજરાત વિદ્યાપીઠમાં શું થયું. ગાંધીવાદી લોકો અને સહકારી ચળવળના લોકોને હાંસિયામાં ધકેલી દેવામાં આવી રહ્યા છે.”
ગુજરાતમાં શક્તિ લેવા આવ્યા:
ગુજરાતમાં અધિવેશનના આયોજન અંગે ખડગે એ કહ્યું, “ગુજરાત એ એવો પ્રાંત છે જ્યાં કોંગ્રેસને તેના 140 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ શક્તિ મળી છે. આજે અમે ફરીથી અહીં પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. આપણી વાસ્તવિક તાકાત આપણા દેશની એકતા અને અખંડિતતા અને સામાજિક ન્યાયની વિચારધારા છે.”
તેમણે કોંગ્રેસના નેતાઓને કહ્યું, “આવતીકાલે કોંગ્રેસના સત્રમાં આપણને ઘણી વાતો કહેવા અને સાંભળવાની તક મળશે. અમે પાર્ટી સામેના પડકારોની ચર્ચા કરીશું અને આગળનો રસ્તો પણ શોધીશું. આ બેઠકમાં, અમદાવાદ સત્ર માટે તૈયાર કરાયેલ દરખાસ્તોનો મુસદ્દો તમારી સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આપ સૌ આ અંગે આપના મંતવ્યો વ્યક્ત કરો, સૂચનો આપો. ઉકેલો ફક્ત વાતચીત દ્વારા જ બહાર આવે છે. આ સાથે, હું મારી વાત પૂર્ણ કરું છું. આપ સૌનો આભાર. જય હિંદ – જય કોંગ્રેસ!”