ગાંધી-સરદારના ભવ્ય વારસાનો નાશ કરનારા આ ધરતીના જ છે: ખડગેના ગુજરાતમાં ભાજપ પર પ્રહાર | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

ગાંધી-સરદારના ભવ્ય વારસાનો નાશ કરનારા આ ધરતીના જ છે: ખડગેના ગુજરાતમાં ભાજપ પર પ્રહાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ કોંગ્રેસની પ્રદેશ કક્ષાની પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવ્યા હતા. તેમણે જૂનાગઢમાં ભવનાથ તળેટીના પ્રેરણાધામ ખાતે 10 દિવસીય પ્રશિક્ષણ શિબિર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના વરદ હસ્તે ખુલ્લી મુકાઈ હતી. તેમણે ગુજરાતની ધરતી પર ગાંધી-સરદારને યાદ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ગાંધી અને સરદાર બંને અમારા માટે પૂજનીયઃ ખડગે

જૂનાગઢ પધારેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું તમામ જિલ્લા અધ્યક્ષોને શુભકામના પાઠવું છું. આ પહેલા તમારી ટ્રેનિંગ આણંદમાં તઈ હતી. જેમાં રાહુલ ગાંધી આવ્યા હતા.

મહાત્મા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા તેનું શતાબ્દી વર્ષ છે. કર્ણાટકના બેલગાવીમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં તેમણે અધ્યક્ષ પદનો સ્વીકાર કર્યો હતો. તેથી જ્યાં ગાંધીજીનો જન્મ થયો તે ગુજરાતની આ ધરતી પર ખૂબ ગર્વ અનુભવું છું.

આ ઉપરાંત તેમણે કહ્યું, જે ધરતી પર મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલે જેવા લોકોએ જન્મ લઈને દેશને આઝાદી અપાવી તે બંને વ્યકિત અમારા માટે પૂજનીય છે. જેના કારણે આપણે આઝાદી મળી અને દેશ એક છે. જ્યારે અન્ય બે વ્યકિત એવા છે કે, જે દેશના સંવિધાનને સુરક્ષિત રહેવા દેવા નથી માગતા. ગાંધી અને સરદારે જે કર્યું તેનો નાશ કરવા માટે અન્ય બે લોકો પણ અહીં જ છે.

આપણ વાંચો: રાહુલ ગાંધીએ આણંદમાં પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું, નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને અપાશે તાલીમ…

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મોદીનું દરેક ભાષણ કોંગ્રેસથી શરૂ થઈને કોંગ્રેસ પર જ પૂરું થાય છે. પોતાની દરેક નિષ્ફળતામાં તેઓ કોંગ્રેસની ભૂલ શોધે છે. કારણ કે તેઓ જાણે છે કે કોંગ્રેસ પાર્ટી જ તેમની રાજનીતિને ખતમ કરી શકે છે. આપણી પાસે જ્યાં સાંસદ-ધારાસભ્ય પણ નથી, ત્યાં પણ પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ છે.

આપણી પાસે જિલ્લા યુનિટ્સ છે. ફ્રન્ટલ સંગઠનોના સાથીઓ છે. આપણી પાસે મજબૂત વિચારોની વિરાસત છે અને સિદ્ધિઓનો લાંબો ઇતિહાસ છે. કોંગ્રેસે દેશને સંવિધાન આપ્યું, મત આપવાનો અધિકાર આપ્યો. આજે ભાજપ બંનેને નબળા પાડી રહી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું, મને વિશ્વાસ છે કે આ તાલીમમાં રાજ્યના મુખ્ય સવાલોની સાથે તમને રાષ્ટ્રીય મુદ્દાઓ પર નવી જાણકારી મળશે. આપણા ઇતિહાસ વિશે તમને જાણવાનો મોકો મળશે. આ બધાનો ફાયદો આગળ તમને પરિવર્તનની લડાઈમાં થશે.ગાંધીજીએ કહ્યું હતું કે પોતાના લક્ષ્યોમાં અસીમ શ્રદ્ધા રાખનારા પ્રતિબદ્ધ આત્માવાળા મુઠ્ઠીભર લોકો ઇતિહાસ બદલી શકે છે.

આપણ વાંચો: જૂનાગઢની ભવનાથ તળેટીમાં કોંગ્રેસની તાલીમ શિબિર યોજાશે, રાહુલ ગાંધી રહેશે હાજર

ગુજરાતમાં પણ ભાજપ “મત ચોરી”ના જોરે સત્તામાં આવી

બિહારમાં મતદાર યાદી સાથે જે થયું, તેની તમે એક ઝલક જોઈ લીધી છે. આ જ કામ ભાજપ દરેક જગ્યાએ કરવાની છે. અહીંના પ્રદેશ પ્રમુખે પણ ખુલાસો કર્યો છે કે કઈ રીતે ગુજરાતમાં પણ ભાજપ “મત ચોરી”ના જોરે સત્તામાં આવી છે. નવસારી લોકસભા બેઠકની ચોર્યાસી બેઠક પર, જ્યાં ભાજપના રાજ્ય પ્રમુખ જીત્યા છે, ત્યાં મતોની ધાંધલધમાલની વાત સામે આવી છે.

તમારા પ્રમુખે જ આ જણાવ્યું કે કુલ ૬ લાખ મતદારોમાંથી ૪૦% નામોને વેરિફાય કર્યા, જેમાં લગભગ ૩૦ હજાર નકલી/ડુપ્લિકેટ મતદારો મળ્યા છે. સુરત લોકસભામાં જે થયું, તે તમે બધા જાણો છો.

તેથી, આપણને પાર્ટીની વિચારધારાને સમર્પિત લોકો જોઈએ. ગુજરાતમાં આવા કટ્ટર કોંગ્રેસીઓની કોઈ કમી નથી. પરંતુ આપણે તેમને ઓળખવા પડશે, જેથી પાર્ટી મજબૂત બને. તમે બધા ધૈર્ય અને મહેનતથી આગળ વધવાની તૈયારી કરો. અમે તમને વિવિધ સ્તરે સહયોગ આપીશું.

આપણ વાંચો: રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન

ખડગેએ કહ્યું, ગુજરાતના સાથીઓને હું કહેવા માગું છું કે આ જ વર્ષે ૩૧ ઓક્ટોબરથી સરદાર પટેલજીની ૧૫૦મી જયંતી હશે. આપણે દેશભરમાં તેને મનાવીશું. ગુજરાતના સાથીઓએ જિલ્લા સ્તરે તેને વધુ વ્યાપક રીતે મનાવવું જોઈએ. તેમને કોઈ પણ સન્માન આપે તો આપણને વાંધો નથી.

પરંતુ તેમના વિચારો સાથે ચેડાં આપણે થવા દઈશું નહીં. ૧૯૪૬માં જ્યારે સરદાર સાહેબ કોંગ્રેસના ભાગ્યવિધાતા હતા, દરેક માણસ તેમનું સન્માન કરતા હતા, ત્યારે તેમણે આચાર્ય કૃપાલાનીના પ્રમુખ મનોનીત થવા દરમિયાન કોષાધ્યક્ષ પદ પર કામ કર્યું. ત્યારે કોંગ્રેસમાં બે જ મહામંત્રી હતા જેમાંથી એક ગુજરાતના મૃદુલા સારાભાઈ હતાં.

ગુજરાતમાં પરિવર્તનના તોફાનને કોઈ રોકી શકશે નહીંઃ ખડગે

ગુજરાતમાં આપણે આવનારી ચૂંટણીમાં જીતી શકીએ છીએ. કારણ કે ૨૦૧૪ પછી ગુજરાતમાં રિમોટ કંટ્રોલ સરકાર ચાલી રહી છે. બધા નિર્ણયો દિલ્હીથી થાય છે. છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં ભાજપની સત્તા છે, જેની જમીની હકીકત પ્રદેશના લોકો સમજી ચૂક્યા છે.

કોંગ્રેસ પાર્ટીને ગુજરાતની જનતા સમર્થન આપવા માગે છે, આ સંકેત તેણે ૨૦૧૭માં આપી દીધો હતો. ત્યારે ભાજપને ગુજરાતના સાત જિલ્લાઓમાં એક પણ બેઠક મળી ન હતી. ભાજપની કુલ બેઠકો પહેલીવાર ૧૦૦થી ઓછી રહી હતી. મને વિશ્વાસ છે કે આ તાલીમ ગુજરાતમાં કોંગ્રેસને એક નવી શક્તિ આપશે. જિલ્લાના આપણા યુનિટ્સ મજબૂત થશે તો ગુજરાતમાં પરિવર્તનના તોફાનને કોઈ રોકી શકશે નહીં.

કોંગ્રેસે બનાવેલા ડેમની કાંકરી પણ હલતી નથીઃ શક્તિસિંહ ગોહીલ

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને તેના ભાગરૂપે કાર્યકર્તાઓના અવાજ ઉપર જિલ્લા કોંગ્રેસ પ્રમુખો નક્કી થયા. આજે કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓને પ્રશિક્ષણ માટેનો કાર્યક્રમ ઐતિહાસિક નગરી જૂનાગઢમાં શરૂ થયો છે.

જેમાં રાહુલ ગાંધી પણ આવવાના છે અને તેમની સાથે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ આવશે. સંગઠન બૂથ સુધી મજબૂત થાય તેના માટેના પ્રયાસો કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસની સત્તા આવે તો સત્તા પડાવી લેવા માટે નહીં પરંતુ લોકોની સેવા માટે કામ થશે.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિમાં કોંગ્રેસના શાસનમાં બનેલા રોડ ટક્યા હશે, પરંતુ ભાજપના શાસનનો બનેલા રોડ તણાઈ ગયા હશે. કોંગ્રેસે બનાવેલા ડેમની કાકરી હલતી નથી અને ભાજપના સમયમાં બનેલી કેનાલ ધોવાઈ જાય છે અને બ્રિજ તૂટી જાય છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button