જામીન માટે બનાવટી Covid-19 રિપોર્ટ બનાવવો મોંઘો પડ્યો, અમદાવાદના આરોપીને કોર્ટે ફટકારી આ સજા

અમદાવાદઃ કોરોના કાળ દરમિયાન સાવચેતીના ભાગરૂપે કોવિડ-19 રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો હતો. આ સમયે કેટલાક લોકો બોગસ રિપોર્ટ પણ બનાવતા હતા. શહેરમાં જામીન લંબાવવા માટે બનાવટી કોવિડ રિપોર્ટ રજૂ કરનારા બે આરોપીને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
શું છે મામલો
કેસની વિગતો મુજબ, વિજય ટાંક ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના સંબંધમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ હતો. ફેબ્રુઆરી 2022માં, તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જોકે, જે દિવસે તેને જેલમાં પરત જવાનું હતું, તે દિવસે કોવિડ-19થી પીડિત હોવાનો દાવો કરીને જામીન લંબાવવા માટે અરજી કરી હતી. તેણે શહેરની એક અગ્રણી પેથોલોજી લેબોરેટરી દ્વારા ઇશ્યૂ કરાયેલ હોવાનું દર્શાવતો રિપોર્ટ રજૂ કર્યો હતો.
હાઈ કોર્ટે પોલીસે ટાંકે કોર્ટ સમક્ષ રજૂ કરેલા રિપોર્ટની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ રિપોર્ટ ખોટો હતો અને લેબોરેટરીમાં તૈયાર કરાયો નહોતો. તેમના પત્નીએ જામીન લંબાવવા માટે નકલી રિપોર્ટ તૈયાર કરવાનું ષડયંત્ર રચ્યું હતું. મોબાઈલ ફોન પર કોવિડનો ખોટો રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો અને પછી પુરાવાનો નાશ કરવા માટે ફોનને સાબરમતી નદીમાં ફેંકી દીધો હતો.
કોર્ટમાં રજૂ કરાયેલા તેના તપાસ અહેવાલમાં, પોલીસે ટાંક, તેની પત્ની અને એક ઈસમ સામે ફોજદારી કાર્યવાહીની ભલામણ કરી હતી. ટાંકની પત્નીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી નથી, જ્યારે અન્ય બે સામે ટ્રાયલ ચલાવવામાં આવ્યો હતો. તેઓ બનાવટ, કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કરવા અને ગુનાહિત ષડયંત્રના દોષી સાબિત થયા હતા. કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા ઉપરાંત, દરેક દોષિતને રૂ. 15,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આપણ વાંચો: અમદાવાદની કેટલી સ્કૂલો UPIથી પેમેન્ટ સ્વીકારે છે? DEOની તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ



