BAOUમાં ફી વધારાનો ફાટ્યો બોમ્બ; દીકરીઓ પર 317% અને વિદ્યાર્થીઓ પર 178% ફી વધારાની તૈયારીઃ કોંગ્રેસ…

અમદાવાદઃ ખાનગી કોલેજોમા વસુલવામાં આવતી તોતીંગ ફીની ફરિયાદો ઉઠી હોવાના મીડિયા અહેવાલો બહાર આવી ચુક્યાં છે. ત્યારે હવે સરકારી યુનીવર્સીટીમાં જ મોટો ફી વધારો ઝીંકવાની દરખાસ્ત કરવામા આવી રહી હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી (BAOU)માં મોટો ફી વધારો ઝીંકવાની દરખાસ્ત અંગે ગુજરાત કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા.
જ્ઞાન અને શિક્ષણનો વિકાસ તથા પ્રસાર વિવિધ સાધનો દ્વારા કરીને વસ્તીના મોટા ભાગને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડવી તેમજ સમુદાયના સામાન્ય શૈક્ષણિક કલ્યાણને પ્રાત્સાહન આપવા તે હેતુ થી ૧૯૯૪માં સ્થપાયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી(BAOU)ના સત્તાધીશો દ્વારા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પર ૧૭૮ ટકા અને દીકરીઓ પર ૩૧૭ ટકા આસપાસનો મસમોટો ફી વધારો ઝીંકવાની દરખાસ્ત અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા હતા.

ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે BAOU દ્વારા ૭૨ થી વધુ અભ્યાસક્રમો સાથે ૫૦૦ જેટલા સ્ટડી સેન્ટરો કાર્યરત છે. તાજેતરમાં યુનીવર્સીટીના સત્તાધીશોએ બેચલર ઓફ આર્ટસમાં ભાઈઓ પર ૧૭૮ ટકા અને દીકરીઓના અભ્યાસક્રમ માટે ૩૧૭ ટકા જેટલો વધારો મુક્વાનીં દરખાસ્ત કરી દેવામાં આવી છે. બેચલર ઓફ આર્ટસમાં હાલ ભાઈઓ માટે રૂ. ૧૮૦૦/- અને બહેનો માટે રૂ. ૧૨૦૦/- પ્રતિવર્ષ જેના યુનીવર્સીટીના સતાધીશો દ્વારા પ્રતિવર્ષ રૂ. ૫૦૦૦/- જેટલો જંગી વધારોની દરખાસ્ત કરવામાં આવી છે. અમુક અભ્યાસક્રમમાં ૧૨૫ ટકા, બી.એડ અભ્યાસક્રમમાં ૧૫૦ ટકા ફી વધારાની દરખાસ્ત છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે યુનીવર્સીટી સત્તાધીશો સગવડો, સુવિધા અને બ્યુટીફીકેશનના નામે લાખો રૂપિયાનો આડેધડ ખર્ચ કરી રહ્યા છે. બીજી બાજુ, સામાન્ય-મધ્યમવર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પર જંગી ફી વધારો કરવા આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ શાસનમાં પ્રાથમિક થી પી.એચ.ડી. સુધી કન્યા કેળવણી ગુજરાતમાં મફત હતી, ભાજપ શાસનમાં દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તે રીતે જંગી ફી વધારો કેટલે અંશે વ્યાજબી ? યુનીવર્સીટી સત્તાધીશો ફી ના વ્યાજબીપણા સાથે ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના દીકરા-દીકરીઓને શિક્ષણનો અધિકાર આપે તેવી કોંગ્રેસ પક્ષે માંગ કરી હતી.



