
અમદાવાદ: ગુજરાતમાં વર્ગ 1-2 અધિકારી સહિત મહત્વપૂર્ણ સરકારી પોસ્ટ પરની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પદ્ધતિ અને તેના માળખામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે આ નવા નિયમોને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, જેના હેઠળ આગામી ભરતી પરીક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ભરતી માટે લાંબા સમયથી નિયમોની રચના પર કામ ચાલી રહ્યું હતું, જેની હવે જાહેરાત કરવામાં આવી છે.
GPSCનાં નવા નિયમો અનુસાર પરીક્ષા બે ક્રમિક તબક્કામાં લેવામાં આવશે. કોઇપણ ઉમેદવારે મુખ્ય પરીક્ષા પૂર્વે પસંદગી માટે પ્રારંભિક પરીક્ષા આપવાની રહેશે અને તેમાં ઉતીર્ણ થવાનું રહેશે. પ્રાથમિક પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો રહેશે. જ્યારે ઉમેદવારોની અંતિમ પસંદગી માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તે વર્ણનાત્મક રહેશે. જો કે નવા નિયમો અનુસાર લેખિત પરીક્ષાની સાથે વ્યક્તિત્વ કસોટી પણ આપવાની રહેશે.
કેવું રહેશે પરીક્ષા માળખું?
1) પ્રાથમિક પરીક્ષા
આયોગ દ્વાર લેવામાં આવનારી પ્રાથમિક પરીક્ષામાં કુલ 200 ગુણનું પેપર રહેશે. જે સામાન્ય અભ્યાસનું પેપર હશે, કુલ 200 ગુણનાં MCQ પૂછવામાં આવશે અને તે માટે 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. સામાન્ય અભ્યાસ પેપર માટેનો અભ્યાસક્રમ આયોગ દ્વારા નિર્ધારિત અને સૂચિત કરવામાં આવશે. તે ઉપરાંત સામાન્ય અભ્યાસનાં પેપર માટે અભ્યાસક્રમનું ધોરણ અને અભ્યાસક્રમ સામગ્રી ડિગ્રી સ્તર મુજબની રહેશે.
2) મુખ્ય પરીક્ષા
તે ઉપરાંત મુખ્ય પરીક્ષામાં 7 પ્રશ્નપત્ર રહેશે. જેમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષાનાં પેપર રહેશે જો કે તેની ગણતરી મેરીટમાં નહીં થાય. પરંતુ તેમાં લઘુત્તમ 25 ટકા સાથે પાસ થવું પડશે. ભાષાનાં પેપરમાં નિષ્ફળ જાય તેઓ વધુ પસંદગી માટે લાયક રહેશે નહીં. ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું 300 માર્કનું અલગ અલગ પેપર રહેશે. 250 માર્કનું નિબંધનું તેમજ અન્ય સામાન્ય અભ્યાસનાં 250 માર્કનાં ચાર પ્રશ્નપત્ર રહેશે.
આ પણ વાંચો…ગુજરાતનો જીજ્ઞેશ પટેલ આ કારણે બની ગયો વસીમ ખલીલ, પણ કારસો કામ ન આવ્યો ને…
3) વ્યક્તિત્વ કસોટી
મુખ્ય પરીક્ષા બાદ વ્યક્તિત્વ કસોટી આપવાની રહેશે. જો કે તેમાં કોઈ લઘુત્તમ ગુણ વિના 150 ગુણની કસોટી રહેશે. મુખ્ય પરીક્ષા (લેખિત) અને વ્યક્તિત્વ કસોટીમાં ઉમેદવારો દ્વારા મેળવેલા કુલ ગુણ તેમના અંતિમ મેરીટને નક્કી કરશે.