છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો! કહ્યું – પક્ષમાં પોતાના કામને ન્યાય નથી મળતો…

અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં થોડીક ઉથલપાથલ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડતા રાજકારણ ગરમાયું હતું. તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ 2024માં ભાજપમાં જોડાયા હતા. તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડતા રાજકારણ ગરમાયું
મહેશ વસાવાએ જણાવ્યું કે, અમે વર્ષોથી અમારી રીતે લડતા હતા. ભાજપની પદ્ધતિ, અહંકારના કારણે છેડો ફાડ્યો છે. નર્મદામાં દર્દીઓને ઝોળીમાં લઈ જવા પડે છે. લોકોના કામ થાય તે માટે જ જોડાયા હતા. કામ નથી થઈ રહ્યા તેટલા માટે રાજીનામું આપ્યું છે. મેં સોશિયલ મીડિયાથી જાણ કરી છે. આ અંગે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, તેમણે રાજીનામું આપ્યું છે તેવી કોઈ નકલ ભારતીય જનતા પાર્ટીને મળી નથી. તેની નકલ મળશે ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ ચર્ચા કરીને નક્કી કરશે અને એ નક્કી કર્યા બાદ ભાજપ મીડિયાને જાણ કરશે.
નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારમાં BTPનું સારું એવું પ્રભુત્વ
અત્રે ઉલ્લેખનીય છે 11મી માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતાં. નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં BTPનું સારું એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા. વસાવા પરિવારમાં જ આ મામલે બે ફાડ પડી ગઇ હતી. મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા ખુદ બીટીપી પાર્ટીના સ્થાપક છે. જ્યારે મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ વાત જાણી પિતા છોટુભાઈ વસાવાને મોટો આંચકો લાગ્યો હતો.