
અમદાવાદ/રાજકોટ/ભાવનગર: મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ અને સોમનાથ જતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ મેળાના અવસર પર યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર 04 જોડી મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજકોટ-વેરાવળ, ભાવનગર-વેરાવળ, ગાંધીગ્રામ-વેરાવળ, વેરાવળ-જૂનાગઢ, વેરાવળ-રાજકોટ, વેરાવળ-ગાંધીગ્રામ, વેરાવળ-ભાવનગર અને જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ રૂટ પર 13.02.2026 થી 17.02.2026 સુધી વિશેષ ભાડા પર 04 જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.
ટ્રેન નં. 09513 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ દરરોજ સવારે 06.55 વાગ્યે રાજકોટથી પ્રસ્થાન કરી તે જ દિવસે સવારે 10.55 વાગ્યે વેરાવળ પહોંચશે આ જ રીતે, પરતમાં ટ્રેન નં. 09514 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ વેરાવળથી બપોરે 15.20 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 20.00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેનને કેશોદ, જુનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

તેવી જ રીતે ટ્રેન નં. 09581 વેરાવળ-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ વેરાવળથી સવારે 06.50 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14.00 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. વાપસીમાં ટ્રેન નં. 09582 ભાવનગર ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બપોરે 14.50 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.35 વાગ્યે વેરાવળ પહોચશે. આ ટ્રેનને કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

ટ્રેન નં. 09584 વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ વેરાવળથી સવારે 04.00 વાગ્યે ઉપડશે અને બપોરે 12.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. પરતમાં ટ્રેન નં. 09583 ગાંધીગ્રામ-વેરાવળ સ્પેશિયલ ગાંધીગ્રામથી બપોરે 13.00 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 21.00 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનને કેશોદ, જુનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

તે ઉપરાંત ટ્રેન નં. 09591 વેરાવળ-જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ વેરાવળથી સવારે 09.15 વાગ્યે ઉપડશે અને બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. પરતમાં ટ્રેન નં. 09592 જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ જૂનાગઢથી બપોરે 13.25 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 17.05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનને સવની, તાલાળા જંકશન, ચિત્રાવડ, સાસણ ગીર, કાંસિયાનેસ, સતાધાર, વિસાવદર, જુનીચાવંડ, બિલખા અને તોરણિયા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.




