Mahakumbh 2025: ગુજરાત એસ.ટી. એ પ્રયાગરાજની 184 ટ્રીપ પૂર્ણ કરી, આટલા શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો

અમદાવાદ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાની(Mahakumbh 2025) યાત્રા ગુજરાત એસ.ટી.એ વિશેષ સેવા શરૂ કરી છે. જેની માટે 27 જાન્યુઆરીએ જીએસઆરટીસીની વિશેષ વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટથી કુલ 6 વોલ્વો અત્યારે યાત્રાળુઓને પ્રયાગરાજ સુધી પહોંચાડે છે. 17 ફેબ્રુઆરી સુધીમાં પ્રયાગરાજ પહોંચીને પરત ફરવાની કુલ 184 ટ્રીપ પૂર્ણ કરવામાં આવી છે. જેનો 4300 જેટલા શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો છે.
અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંકલન રાખ્યુ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રૂટ નવો હોવાથી યાત્રાળુઓને તકલીફો ન પડે તે હેતુથી ગુજરાત એસ.ટી. ની એક ટીમે પ્રયાગરાજના રૂટનો અગાઉથી સર્વે કરીને યોગ્ય માહિતી મેળવી હતી. આ ટીમે અન્ય રાજ્યોની પોલીસને પણ આ વ્યવસ્થા અંગે માહિતગાર કર્યા હતા જેથી બસને પ્રવાસ દરમિયાન સરળતા રહે.
આ પણ વાંચો : દિલ્હીથી પ્રયાગરાજનું બસ ભાડું આસમાને; એક સ્લિપર સીટનું ભાડું આટલા હજાર રૂપિયા
પ્રયાગરાજમાં પાર્કિંગ પણ સંગમની નજીક જ રાખવામાં આવ્યું
જેમાં મધ્ય પ્રદેશના શિવપુરીમાં રાત્રિ રોકાણ માટે ઉચ્ચ ગુણવત્તાની હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો.
જ્યારે પ્રયાગરાજમાં પાર્કિંગ પણ સંગમની નજીક જ રાખવામાં આવ્યું હતું.
મહાકુંભ માટે છેલ્લી ટ્રીપ 25 ફેબ્રુઆરીએ રવાના થશે
રાજ્યના નાગરિકોને પ્રિમિયમ સેવા આપવા માટે અત્યારે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા 100 વોલ્વો બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ બસોમાં આરામદાયક પુશબેક સીટ, એર સસ્પેન્શન અને અત્યાધુનિક ફાયર સિસ્ટમ હોય છે. રાજ્યમાં વિવિધ સ્થળો સહિત દીવ અને નાથદ્વારા માટે પણ આ સેવા ઉપલબ્ધ છે. મહાકુંભ માટે છેલ્લી ટ્રીપ 25 ફેબ્રુઆરીએ રવાના થશે.