માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ: ₹ 2200 કરોડના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈન દુબઈથી ઝડપાયો…

અમદાવાદઃ સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ₹ 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી પાડ્યો હતો. એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને તેમની ટીમે આ ખાસ મિશન પાર પાડ્યું હતું.
હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. હર્ષિત જૈન દુબઈથી ડિપોર્ટ થયા બાદ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં જ એસએમસી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હર્ષિતની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
હર્ષિત જૈનની ધરપકડ બાદ પોલીસને તેની પાસેથી સટ્ટાકાંડના નાણાકીય વ્યવહારો, તેમાં સંકળાયેલા મોટા માથાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા રેકેટ વિશે મહત્વપૂર્ણ માહિતી મળવાની આશા છે આ ધરપકડથી ક્રિકેટ સટ્ટાકાંડના મૂળ સુધી પહોંચવામાં અને આવા ગુનાઓ પર અંકુશ લગાવવામાં પોલીસને મદદ મળશે.
એક વર્ષથી ફરાર હતો આરોપી
આરોપી છેલ્લાં એક વર્ષથી ફરાર હતો. દુબઈથી તેની ધરપકડ કરવામાં આવી હતી. હર્ષિતની ઓફિસમાંથી 2200 કરોડથી વધુનો સટ્ટો પણ ઝડપાયો હતો. આ કેસમાં 35થી વધુ આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે.
હર્ષિતના પકડાયા બાદ હવે સકંજો સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોંચશે. આ સહિત અન્ય બુકીઓને પણ પકડવામાં આવશે. વિદેશ ગયેલા બુકીઓને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાવીર એન્ટરપ્રાઇઝના નામે ચાલતો હતો સટ્ટો
8 માર્ચ 2023ના રોજ અમદાવાદ પીસીબીની ટીમે ભૂતપૂર્વ પીઆઈ તરલ ભટ્ટના નેતૃત્વ હેઠળ માધુપુરામાં દરોડા પાડ્યો હતો. આ રેડમાં મહાવીર એન્ટરપ્રાઇઝના નામે ચાલતા સટ્ટા-હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો.
પોલીસ તપાસમાં આરોપીની ઓફિસમાંથી ₹2200 કરોડથી વધુના સટ્ટાનું રેકોર્ડિંગ મળી આવ્યું હતું. આ સમગ્ર રેકેટ બેંક ટ્રાન્ઝેક્શન્સ અને હવાલા મારફતે ચાલતું હતું.
આ રીતે રમાડવામાં આવતો હતો સટ્ટો
પોલીસને એક મોબાઈલ એપ્લિકેશન પણ મળી હતી, જેના માધ્યમથી બુકીઓ સટ્ટો રમાડતા હતા. તેઓ એજન્ટો મારફતે આઈડી બનાવી લોકોને સટ્ટો રમવા માટે જોડતા હતા. આ કેસના મુખ્ય આરોપી હર્ષિત જૈન છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો.
પોલીસે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ બહાર પાડી હતી. આખરે, ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે દુબઈ પોલીસના સહકારથી ઓપરેશન પાર પાડીને વહેલી સવારે 4 વાગે હર્ષિત જૈનને દુબઈથી ડિપોર્ટ કરાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…Gujarat: ક્રિકેટ સટ્ટા સહિતના ઓર્ગેનાઈઝ ક્રાઇમ પર સકંજો કસવા સરકારે લીધું આ પગલું