અમદાવાદ

સરકારી નોકરીની લાલચ: અમદાવાદમાં રાજ્યપાલની નકલી સહીવાળો લેટર આપી ₹7.50 લાખ ખંખેર્યા

અમદાવાદ: શહેરમાં સરકારી નોકરી અપાવવાના બહાને ₹7.50 લાખની છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. નવા નરોડા, અમદાવાદના રહેવાસી અને કરન્સી મેનેજમેન્ટનો વ્યવસાય કરતા મયુરકુમાર મહેન્દ્રકુમાર જોષી (ઉ.વ. ૩૭)એ પોતાના બાળપણના મિત્ર અને કૌટુંબિક સબંધી કોમલબેન ત્રિવેદી અને તેમના પતિ આનંદકુમાર ત્રિવેદી (બંને રહે. સુભાષનગર, ભાવનગર) વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ પોતાને સરકારી કર્મચારી અને નિમણૂક અધિકારી તરીકે ઓળખાવી પીડિતને વિશ્વાસમાં લીધો હતો.

ગત નવેમ્બર-૨૦૨૪માં ૧૫ વર્ષ બાદ મયુરકુમારની મુલાકાત કોમલબેન અને આનંદકુમાર સાથે બાવળા ખાતે થઈ હતી, ત્યારબાદ તેઓ નિયમિતપણે મયુરકુમારની ઓફિસે આવતા-જતા થયા હતા. આ દરમિયાન, દંપતીએ પોતે સરકારમાં આગેવાન તરીકે કાર્યરત હોવાનું અને સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી હોવાનું જણાવી મયુરકુમારને સરકારી નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. ડિસેમ્બર-૨૦૨૪માં, તેમણે ₹૨૫ લાખમાં મનગમતા સ્થળે સરકારી નોકરી અપાવવાની વાત કરી અને એડવાન્સ પેટે ₹૧૦ લાખની માંગણી કરી હતી. મયુરકુમારે સગવડ ન હોવાનું જણાવતા, તેમણે વ્યવસ્થા થઈ શકે તેટલા નાણાં આપવા કહ્યું. આ વિશ્વાસના આધારે, મયુરકુમારે ૩જી જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ આંગડિયા મારફતે ₹૪ લાખ મોકલાવ્યા હતા અને ત્યારબાદ બેંક ટ્રાન્સફર દ્વારા અલગ-અલગ તારીખે વધુ ₹૨.૫૦ લાખ (૧,૫૦,૦૦૦ અને ૧,૦૦,૦૦૦) આનંદકુમાર ત્રિવેદીના બેંક ખાતામાં જમા કરાવ્યા. આમ, ટૂંક સમયમાં જ એપોઇન્ટમેન્ટ લેટર આપવાના વિશ્વાસે મયુરકુમારે કુલ ₹૬.૫૦ લાખ ચૂકવ્યા હતા.

નાણાં ચૂકવ્યા બાદ, ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ કોમલબેને તેમના વ્હોટ્સએપ દ્વારા મયુરકુમારને ગુજરાત સરકાર દ્વારા ઇશ્યુ કરાયેલો અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની સહી તથા સરકારી સિક્કો ધરાવતો એક ‘કોન્ફીડેન્સીયલ’ એપોઇન્ટમેન્ટ લેટર મોકલાવ્યો. આ લેટરને ગુપ્ત રાખવા જણાવી તેમણે વધુ નાણાંની માંગણી કરી, જેના પગલે ૧૮મી જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ મયુરકુમારે આનંદકુમારના ખાતામાં વધુ ₹૧,૦૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા અને તેમને ‘યુનાઇટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિટી’નું આઇ.કાર્ડ પણ મોકલી આપવામાં આવ્યું. આમ કુલ ₹૭,૫૦,૦૦૦ ચૂકવ્યા છતાં નોકરી ન મળતા, મયુરકુમારને શંકા ગઈ. તેમણે મોકલાવેલા સરકારી લેટરની ચકાસણી કરાવતા, તે અને આઇ.કાર્ડ બોગસ અને બનાવટી હોવાની જાણ થઈ.

આ અંગે ત્રિવેદી દંપતીને વાતચીત કરતા, તેમણે લેટર અને આઈ.કાર્ડ ખોટા હોવાની વાત સ્વીકારી લીધી અને આપેલા ₹૭,૫૦,૦૦૦ પરત કરવાના ચેક આપ્યા. જોકે, આ ચેક પણ બેંકમાં નાખતા ફંડ ન હોવાના શેરા સાથે પાછા ફર્યા હતા. નવેમ્બર-૨૦૨૪ થી આજદિન સુધીમાં કોમલબેન અને આનંદકુમાર ત્રિવેદીએ સરકારી નોકરીની લાલચ આપી બોગસ દસ્તાવેજો બનાવી મયુરકુમાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. મયુરકુમાર જોષીએ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આપણ વાંચો:  દિલ્હી બ્લાસ્ટ બાદ કોડિનારના દરિયાકિનારે મેગા કોમ્બિંગ, દરગાહમાંથી હથિયારો મળતાં ચકચાર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button