અમદાવાદ, સુરત સહિત રાજ્યના ૮ શહેરો માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન ટૂંક સમયમાં પૂર્ણ થશે | મુંબઈ સમાચાર

અમદાવાદ, સુરત સહિત રાજ્યના ૮ શહેરો માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન ટૂંક સમયમાં પૂર્ણ થશે

અમદાવાદઃ ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થવાના તબક્કામાં છે. આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાતને ઓળખીને તેમાં સુધારો કરવાની સાથે સાથે શેલ્ફ ઓફ પ્રોજેક્ટને તૈયાર કરવામાં મદદરૂપ પણ થશે, તેમ ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (જીઆઈડીબી)ની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અમલમાં મુકવામાં આવતા મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ કે જેમનું મૂલ્ય રૂ. ૫૦૦ કરોડથી વધુ હોય, તેમને લગતા મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપ મિકેનિઝમ હેઠળ સમીક્ષા કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત રાજ્ય સરકારની નોડલ ઓફિસ તરીકે જીઆઈડીબી આ તમામ મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે.

આ બેઠકમાં પ્રધાન રાજપૂતે જીઆઈડીબીના ઉચ્ચ અધિકારીઓને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ કુલ ૮ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરવા અને યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ ડેટાબેઝ બનાવવા પર ભાર મૂક્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત પણ કદમથી કદમ મિલાવીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત’ના વિઝનને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર હસ્તક જીઆઈડીબી ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ કોસ્ટ ઘટાડવા, માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ અસરકારક રીતે કરી રહી છે, તેમ પ્રધાને ઉમેર્યું હતું.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button