અમદાવાદના અસારવામાં રોડ ગટરની સમસ્યાને લઈ સ્થાનિકોએ ધારાસભ્યનો ઘેરાવ કર્યો

અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં રોડ ગટરની સમસ્યાને લઈ સ્થાનિકોએ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતા હોવાને લઈને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદના મેયર પ્રતિભા જૈનના વિસ્તાર શાહીબાગ વોર્ડમાં અને અસારવા વિધાનસભા વિસ્તારમાં આવતા જહાંગીરપુરા ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ ખાતે ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો. ભાજપના અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર હતા. છેલ્લા કેટલાય દિવસથી જહાંગીરપુરા ગામમાં ઉભરાતી ગટરોના પ્રશ્નને લઈને સ્થાનિક લોકોમાં રોષ હતો. ધારાસભ્ય જ્યારે કાર્યક્રમમાં આવ્યા ત્યારે સ્થાનિક લોકોનું ટોળું સ્કૂલ ઉપર પહોંચી ગયું હતું અને ઉભરાતી ગટરને લઈને રજૂઆત કરી હતી.
આપણ વાંચો: મગફળીનો પણ રાહત પેકેજમાં સમાવેશ કરવા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે માંગ કરી
સ્થાનિક લોકો ધારાસભ્ય દર્શનાબેન અને કોર્પોરેટરોને ઘેરી વળ્યા હતા તેઓએ રજૂઆત કરી હતી કે, છેલ્લા કેટલાય દિવસથી અમારા ઘરની આજુબાજુ ગટરો ઉભરાઈ રહી છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી આ મામલે નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો ધારાસભ્ય અને કોર્પોરેટરોને જહાંગીરપુરા ગામમાં લઈ ગયા હતા અને ત્યાંથી તેમને પડતી સમસ્યાને લઈને રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ શહેરના નાગરિકો ખોદેલા રોડ અને ઉભરાતી ગટરો સહિતની પ્રાથમિક સમસ્યાના કામો થતા ન હોવાને લઈને ખૂબ જ ફરિયાદો કરી રહ્યા છે. એક તરફ ઠેર ઠેર રોડ ખોદી નાખવામાં આવ્યા છે અને ખાડા પડેલા છે. ક્યાંક ભૂવા પડેલા છે તો અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જાય છે અને ગટર પણ ઉભરાય છે આવી સમસ્યાઓ અંગે સ્થાનિક ધારાસભ્યોને લોકો રજૂઆત કરે છે તો તેમના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી.