Top Newsઅમદાવાદ

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ 3 મહિના પાછળ ઠેલાશે? જાણો શું છે કારણ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મતદાર યાદી વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થયાને 12 દિવસથી વધારે સમય થઈ ગયો છે. સરની કામગીરીના કારણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠેલાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવતા વર્ષની શરૂઆતમાં નિર્ધારિત થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્રણ મહિના પાછી ઠેલાય તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાઓમાં વહીવટકર્તાઓ ચાર્જ સંભાળે તેવી અપેક્ષા છે.

શું છે કારણ

SIR પ્રક્રિયા ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં પૂર્ણ થશે નહીં. અધિકારીઓ 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ ચૂંટણીની જાહેરાત થયા પછી ઉમેદવારી પત્રો ભરવા, પાછા ખેંચવા અને પ્રચાર માટે પાંચથી છ અઠવાડિયા જેટલો સમય જરૂરી છે.

પરીક્ષાઓના કારણે સમયપત્રક મુશ્કેલ

અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરીએ બહાર આવ્યા પછી જ ચૂંટણીનું સમયપત્રક જાહેર કરી શકાશે. પરંતુ આ વર્ષે ગુજરાતની બોર્ડની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, જેના કારણે કામ કરવા માટે ઘણો ઓછો સમય બચે છે. રાજ્ય ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના વધારે છે. આ ત્રણ મહિના માટે અમારે વહીવટકર્તાઓને લાવવા પડશે.”

નવી મતદાર યાદી માટે ચૂંટણી પંચ આગ્રહી

રાજ્યભરમાં મહાનગરપાલિકાઓનો કાર્યકાળ 16 ફેબ્રુઆરીએ પૂરો થાય છે. જોકે રાજ્ય ચૂંટણી પંચે જૂની મતદાર યાદીઓ સાથે ચૂંટણીઓ યોજવા વિચારણા કરી હતી, પરંતુ અધિકારીઓનું માનવું છે કે મતદારોએ પહેલેથી જ SIR પ્રક્રિયામાં ભાગ લીધો હોવાથી આનાથી મૂંઝવણ ઊભી થઈ શકે છે.

2027માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી અધિકારીઓ નવી યાદીનો ઉપયોગ કરવો તેમ માની રહ્યા છે. જેથી જો કોઈપણ સમસ્યા હોય તો તેનું પણ વિધાનસભા ચૂંટણી પહેલા નિરાકરણ આવી શકશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 15 કોર્પોરેશનો (જેમાં નવ નવી રચાયેલી કોર્પોરેશનોનો સમાવેશ થાય છે), ઉપરાંત 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં યોજાશે.

આ પણ વાંચો…ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક ચૂંટણીઓ પર SIRની અસરનો અભ્યાસ કરશે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button