અમદાવાદમાં લોન અપાવતી ગેંગે પવનચક્કીના વેપારીને છેતર્યો: તમિલનાડુના વેપારીને રૂ. ૨૯.૭૫ લાખનો ચૂનો!

અમદાવાદ: દિવાળી બાદ અમદાવાદમાં વેપારી સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. લોન અપાવવાના બહાને વેપારીઓને છેતરતી એક ગેંગ દ્વારા તમિલનાડુના પવનચક્કીના વેપારી સાથે લગભગ ₹૨૯.૭૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીએ આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, તમિલનાડુના નમક્કલ શહેર સ્થિત ફન્ડલાઈન વિંડ એનર્જી પ્રા. લિમિટેડ કંપની ચલાવતા વેપારી ગણેશદેવરાજ ચંન્દ્રમૌલેશ્વરમ (ઉ.વ. ૪૭) એ અમદાવાદના ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ₹૨૯,૭૫,૦૦૦/- ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 
ફરિયાદીના જણાવ્યા મુજબ, તારીખ ૨૦/૦૭/૨૦૨૫ ના રોજ તેમને રવી પરમાર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે તેમની કંપનીને ₹૩૦ કરોડની લોન અપાવવાની ઓફર કરી હતી. આ મીટિંગ માટે ફરિયાદીને અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે, શ્રીધર એથેન્સ બિલ્ડિંગ ખાતે બોલાવવામાં આવ્યા હતા.
તારીખ ૨૯/૦૭/૨૦૨૫ ના રોજ ત્યાં હાજર રહેલા નિતાંત પુરનચંદ શર્મા (રહે. જયપુર), રવી પરમાર, અને અનીલ અગ્રવાલ નામના ત્રણ આરોપીઓએ કંપનીના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા બાદ લોન મંજૂર થવાની ખાતરી આપી હતી, અને નિતાંત શર્મા પ્રોપર્ટીનું વેલ્યુએશન કરવા તમિલનાડુ પણ ગયા હતા. ત્યારબાદ, તારીખ ૦૭/૦૮/૨૦૨૫ ના રોજ અમદાવાદમાં આ ત્રણેય આરોપીઓએ ₹૩૦ કરોડની લોન માટે “એક ટકા સ્ટેમ્પ ડ્યુટી” ભરવાનું બહાનું આપીને ફરિયાદી પાસેથી ₹૨૯,૭૫,૦૦૦/- વીગ્નેશ એસોશિયેટ્સના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પૈસા ટ્રાન્સફર થયા બાદ આરોપીઓએ ફરિયાદીને હોટલમાં આરામ કરવા મોકલી દીધા હતા અને પોતે એક કલાકમાં પાછા આવવાનું કહ્યું હતું. જોકે, બે કલાક પછી ફોન કરતાં ત્રણેયના નંબર બંધ આવ્યા હતા અને ઓફિસે પહોંચતા ત્યાં તાળું મારેલું જોવા મળ્યું હતું. આ રીતે ત્રણેય આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી વેપારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો…કના ડબલ’ની લાલચઃ ભુજની ઠગ ત્રિપુટીએ મધ્ય પ્રદેશના યુવકને ૯૫ હજારમાં છેતર્યો…
 
 
 
 


