બોગસ દસ્તાવેજોને આધારે લોન લઈ ઠગાઈ કરનારા સાતને ત્રણ વર્ષની સજા

અમદાવાદઃ બેંક ઓફ બરોડામાં બોગસ દસ્તાવેજોના આધારે રૂ.૧૨.૯૦કરોડની લોન મેળવીને રૂ.૮.૪૮ કરોડની ઠગાઈ આચરવાના મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના સીબીઆઈના ખાસ જજ નિલેશ એન. પાથરએ કંપની સહિત સાત જણને ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની કેદ અને દરેકને રૂ.૨૫ હજાર દંડ ફટકાર્યો હતો.
સજા પામેલાઓમાં મેસર્સ જલ્પા એન્ટપ્રાઈઝીસ પ્રાઈવેટ લીમીટેડ, સંજય નાગજીભાઈ પટેલ, સંગીતા એસ. પટેલ, સતીષ એન. દાવરા, નાનુભાઈ મોરડીયા, વિપુલ નરોત્તમ રામાનુજ અને મિતુલ ડી. વઘાસીયાનો સમાવેશ થાય છે. કોર્ટે સાતેય આરોપીને ગુનેગાર ઠેરવતા નોંધ્યુ હતું કે, આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે લોન મેળવીને બેંકને મોટું નુકસાન પહોંચાડયાનું પુરવાર થયુ છે.
આપણ વાચો: બોગસ દસ્તાવેજો પર મોંઘી કારો ખરીદીને વિવિધ રાજ્યોમાં વેચનારી ટોળકી પકડાઈ
બેંક તરફથી આરોપીઓની સિક્યોરિટી મિલકતોનું વેચાણ કરી લોનની કેટલીક લેણી રકમ વસૂલી લઈ લીધેલ છે. હાલના કેસમાં બેંકના ઓફિસરોની પણ લોનની રકમ ડીસ્બર્સ કરવામાં પૂરતી કાળજી રાખેલ નથી તેવી હકીકતો રેકર્ડ ઉપર આવેલ છે. તે સંજોગોમાં બેંકને વળતર આપવાનું વ્યાજબી અને ન્યાયી જણાતું નથી.
આ કેસની વિગત એવી છે કે, બેંક ઓફ બરોડા પાસેથી મેસર્સ જલ્પા એન્ટપ્રાઈઝીસ પ્રાઈવેટ લિમિટેડએ ૬૦ એરજેટ વીવીંગ મશીનો માટે બોગસ દસ્તાવેજોના આધારે રૂ.૧૨.૯૦ કરોડની ટર્મ લોન લીધી હતી. જે લોન મંજૂર થતા રકમ મશીનો ખરીદવાના બદલે અન્ય હેતુ માટે બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. બેંક ઓફ બરોડાના અધિકારીઓ કંપનીમાં તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે મશીનો ખરીદયા નથી અને કંપનીએ પ્રોડકશન પણ બંધ કરી દીધુ હતુ.
આપણ વાચો: સુરતમાં બોગસ દસ્તાવેજો સાથે બાંગ્લાદેશી યુવક ઝડપાયો, દોઢ વર્ષથી સુરતની ઝૂપડપટ્ટીમાં રહેતો
આ પછી બેંક ઓફ બરોડાના અધિકારીઓએ ગત તા.૧-૪-૨૦૧૭ના રોજ સીબીઆઈમાં ફરિયાદ કરી હતી. સીબીઆઈએ મેસર્સ જલ્પા એન્ટપ્રાઈઝીસ પ્રાઈવેટ લિમિટેડ, સંજય નાગજીભાઈ પટેલ, સંગીતા એસ. પટેલ, સતીષ એન. દાવરા, નાનુભાઈ મોરડીયા, વિપુલ નરોત્તમ રામાનુજ અને મિતુલ ડી. વઘાસીયા સામે ગુનો નોંધી તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી.
જે કેસ ચાલતા સીબીઆઈના ખાસ એડવોકેટ અતુલ રંજન પ્રકાશસિંહએ ૨૦ સાક્ષીઓ અને ૫૭ દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીઓએ કાવતરાના ભાગરૂપે ખોટા દસ્તાવેજોના આધારે મોટી રકમનું ફ્રોડ કર્યાનું પુરવાર થયુ છે.
ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને વધુમાં વધુ સજા ફટકારવી ન્યાયહિતમાં જરૂરી છે. ત્યારબાદ કોર્ટે એક કંપની સહિત સાત આરોપીઓને ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની સજા અને દરેક આરોપીને રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.



